મહેન્દ્રસિંહ ધોની ગુરુવારે જે રીતે લાઇવ મેચમાં અમ્પાયર સાથે મેદાન ઉપર જઈને રકઝક કરવા લાગ્યો હતો તેની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. ચેન્નાઈ સુપરકિંગ્સના કોચ સ્ટિફન ફ્લેમિંગે ખુલાસો કર્યો છે કે આખરે ધોની કેમ આવી રીતે મેદાનમાં આવી ગયો હતો.
સીએસકેના કોચ સ્ટિફન ફ્લેમિંગે કહ્યું હતું કે અમને લાગ્યું કે બોલર એન્ડના અમ્પાયરે બેન સ્ટોક્સના બોલને નો બોલ આપ્યો હતો. આ પછી નો બોલ પાછો લઈ લીધો હતો. આ કારણે ત્યાં બધી બાબતો અસ્પષ્ટ બની હતી.
અમે સમજી શકતા ન હતા કે બોલ નો બોલ છે કે નહીં. ધોની તેના ઉપર સ્પષ્ટતા ઇચ્છતો હતો તેથી તેને તક મળતા અમ્પાયર સાથે વાત કરવા મેદાનમાં પહોંચી ગયો હતો.
ફ્લેમિંગે આગળ કહ્યું હતું કે તે ફક્ત સ્પષ્ટતા ઇચ્છતો હતો. શું સાચું છે અને શું ખોટુ. તેની ચર્ચા બધા કરશે, માહી પોતે પણ. મને લાગે છે કે અમ્પાયરો માટે પણ આ ચર્ચાનો વિષય હશે. જોકે જે રીતે નિર્ણય કરવામાં આવ્યો હતો તેના કારણે માહી ગુસ્સામાં હતો. નો બોલનો નિર્ણય કેમ બદલ્યો, તે નો બોલ છે કે નહીં. તેવી ઘણી અસ્પષ્ટતા હતી, તે સમયે બધી બાબતો સ્પષ્ટ કરવી જરુરી હતી. આ અસામાન્ય છે પણ ધોનીને તમે જાણો છો. આ એવી બાબત છે જેના માટે તેની ઉપર લાંબા સમય સુધી સવાલ ઉઠાવવામાં આવશે.