મેદાન પર તમામ પરિસ્થિતિઓમાં શાંત રહેનારા અને કેપ્ટન કૂલના નામથી પ્રખ્યાત બનેલા મહેન્દ્ર સિંહ ધોની ગુરૂવારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા. આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના અત્યંત રોમાંચક મુકાબલામાં ‘નો-બોલ’ને લઈને વિવાદ સર્જાયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ્સની અંતિમ ઓવરમાં એક નો-બોલના વિવાદને કારણે ધોની મેદાનમાં દોડી ગયો હતો. આ બદલ તેની મેચ ફીની ૫૦ ટકા રકમ કાપી લેવાશે.
અંતિમ ઓવરમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ૧૮ રનની જરૂર હતી. ઓવરના ત્રીજા બોલે ધોની બોલ્ડ થયો હતો. છેલ્લા ત્રણ બોલમાં ચેન્નાઈને જીતવા માટે આઠ રનની જરૂર હતી અને મિચેલ સેન્ટનર સ્ટ્રાઈક પર હતો. સ્ટોક્સે એક ફુલ ટોસ ફેંક્યો હતો. અમ્પાયર ઉલ્હાસ ગંધેએ તેને નો-બોલ જાહેર કર્યો હતો પરંતુ સ્કવેર લેગ પર ઉભેલા અમ્પાયર બ્રુસ ઑક્સનફર્ડે આ નિર્ણયને બદલી દીધો.
ત્યારબાદ મેદાન પર રવિન્દ્ર જાડેજા અને સેન્ટનર અને અંપાયર્સ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. જાડેજાએ આ નિર્ણયનો વિરોધ કર્યો પરંતુ ્મ્પાયર્સે તેમનો નિર્ણય બદલવાનો ઇનકાર કરી દેતાં ધોની પણ ગુસ્સામાં લાલચોળ થઈને મેદાન પર દોડી ગયો હતો. તેણે અમ્પાયર્સ સાથે આ બાબતે ચર્ચા કરી હતી. જોકે, પછીથી આ બોલને યોગ્ય ગણવામાં આવ્યો. ચાલુ મેચમાં મેદાન પર આવી જવા માટે ધોનીની મેચ ફી પર ૫૦ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ધોનીને આઈપીએલના નિયમોનો ભંગ કરવાના ગુનામાં દોષીત ગણવામાં આવ્યો. ધોનીને આઈપીએલના કોડ ઑફ કંડક્ટ ૨.૨૦ અંતર્ગત લેવલ ૨ના દોષીત ગણવામાં આવ્યો હતો. ધોનીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આર્ટિકલ ૨.૨૦ એટલે રમતની ભાવનાને ઠેસ, પહોંચાડવા માટેનો નિયમ છે જેનું ઉલ્લંઘન ખેલાડીને દંડીત કરી શકે છે.