ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને રાજસ્થાન સામેની મેચમાં નૉ બૉલનાં નિર્ણય પર એમ્પાયર સાથે મેદાનમાં જઇને દલીલ કરવાને લઇને વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે. ‘કેપ્ટન કૂલ’ ધોનીએ પોતાના સ્વભાવથી વિપરીત ગુસ્સો કર્યો અને ડગ આઉટથી બહાર નીકળીને એમ્પાયર સાથે ઝઘડો કરવા લાગ્યો. એમ્પાયર ઉલ્હાસ ગાંધેએ બેન સ્ટૉક્સનાં બૉલને નૉ બૉલ આપ્યો હતો, પરંતુ સ્ક્વેયર લેગ એમ્પાયર સાથે સલાહથી નિર્ણય બદલ્યો. ધોની પર આ મામલે ૫૦ ટકા મેચ ફીસનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન માઇકલ વૉન, ઑસ્ટ્રેલિયાનાં પૂર્વ ક્રિકેટર માર્ક વૉ, ભારતનાં પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા અને હેમાંગ બદાનીએ ધોનીની ટીકા કરી છે. વૉને કહ્યું કે, ‘કેપ્ટનનું પિચ પર આવવું યોગ્ય નહોતુ. મને ખબર છે કે તે એમએસ ધોની છે અને આ દેશમાં તે કંઇપણ કરી શકે છે, પરંતુ ડગ આઉટમાંથી નીકળીને એમ્પાયર પર આંગળી ઉઠાવવી યોગ્ય નથી. કેપ્ટન તરીકે તેણે ખોટું ઉદાહરણ આપ્યું છે.’
વૉએ કહ્યું કે, ‘મને ખબર છે કે ટીમો પર ફ્રેંચાઇઝીનો દબાવ હોય છે, પરંતુ હું બે ઘટનાઓથી ઘણો નિરાશ છુ. અશ્વિન અને હવે એમએસ. આ સારું નથી.’ ભારતનાં પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ કહ્યું કે, ‘આ આઈપીએલમાં એમ્પાયરિંગનું સ્તર ઘણું જ ખરાબ રહ્યું છે. તે ચોક્કસ રીતે નૉ બૉલ હતો, પરંતુ વિરોધી ટીમનાં કેપ્ટનને આઉટ થઇને આ રીતે પિચ પર જવાનો કોઇ અધિકાર નથી.
તો હેમાંગ બદાણીએ કહ્યું કે, ‘એમ્પાયરને અધિકાર હતો કે તે પોતાના નિર્ણયને બદલે. હું ધોનીની પ્રતિક્રિયાથી ચોંકી ગયો છું. કેપ્ટન કૂલે આવું કઇ રીતે કરી દીધું.’