ભારતીય બેડમિન્ટન સ્ટાર ખેલાડી પી વી સિંધૂએ સિંગાપોર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં શુક્રવારે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જોકે ભારતની અન્ય સ્ટાર ખેલાડી સાઇના નહેવાલનો પરાજય થતાં તે ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ હતી.
રિયો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનારી સિંધૂએ વિશ્વમાં ૧૮મો ક્રમાંક ધરાવતી અને ૨૦૧૭ની વર્લ્ડ જુનિયર બેડમિન્ટ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ચીની ખેલાડી કેઈ યાનયાનને ૨૧-૧૩, ૧૭-૨૧, ૨૧-૧૪થી હરાવી હતી. સિંધૂ સેમિફાઇનલમાં તેની કટ્ટર હરીફ જાપાની ખેલાડી નોઝોમી ઓકુહારા સામે ટકરાશે. ઓકુહારા હાલમાં વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં બારતની જ સાઇના નહેવાલને ૨૧-૮, ૨૧-૧૩થી સીધા સેટમાં હરાવી હતી. આમ શુક્રવારનો દિવસ ભારત માટે મિશ્ર રહ્યો હતો. ક્વાર્ટરફાઈનલમાં સિંધૂએ ચીનની યાનયાન સામે પ્રથમ ગેમમાં ૫-૫થી સરસાઈ સાથે સારી રમત દર્શાવી હતી અને અંતે ગેમ પોતાને નામે કરી લીધી હતી. જોકે બીજી ગેમ રોમાંચક રહી હતી જેમાં ચીની ખેલાડીે પુનરાગમન કરીને વળતો પ્રહાર કર્યો હતો. તેણે ૧-૧ના સ્કોર સાથે મેચ સરભર કરી દીધી હતી. આમ ત્રીજી ગેમ નિર્ણાયક બની રહી હતી. જોકે ત્રીજી ગેમમાં સિંધૂએ ૧૧-૫ની સરસાઈ બાદ આક્રમક રમત રમીને ગેમ અને મેચ પોતાને નામે કરી દીધી હતી.