પૂર્વ સેના પ્રમુખોએ સશસ્ત્ર સેનાઓના રાજનીતિક ઉપયોગને લઈને રાષ્ટ્રપતિને લખાયેલા પત્રને ખોટો ઠેરવ્યો છે. પૂર્વ સૈનિકોએ કહ્યું કે સેનાના રાજનીતિક ઉપયોગ સંબંધિત પત્ર રાષ્ટ્રપતિને લખ્યો નથી. અત્રે જણાવવાનું કે કેટલાક અહેવાલ મુજબ એક પત્રમાં સેનાના ૮ પૂર્વ પ્રમુખો અને અન્ય ૧૪૮ પૂર્વ સૈનિકોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને સશસ્ત્ર સેનાઓના રાજનીતિક ઉદ્દેશ્યો માટે ઉપયોગ થવા બદલ આક્રોશ વ્યક્ત કર્યો છે. પત્ર પર જે લોકોના હસ્તાક્ષર છે તેમાં પૂર્વ સેના પ્રમુખ જનરલ (સેવાનિવૃત્ત) એસએફ રોડ્રિગ્ઝ, જનરલ(સેવાનિવૃત્ત) શંકર રોય ચૌધરી અને જનરલ (સેવાનિવૃત્ત) દીપક કપૂર, ભારતીય વાયુસેનાના પૂર્વ પ્રમુખ ચીફ માર્શલ (સેવાનિવૃત્ત) એનસી સૂરી સામેલ છે. જો કે પૂર્વ સેના પ્રમુખ જનરલ (સેવાનિવૃત્ત) એસએફ રોડ્રિગ્ઝે આ પ્રકારના કોઈ પણ પત્ર અંગે ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે, ’સર્વિસ દરમિયાન અમે જે પણ સરકાર હોય તેના આદેશને ફોલો કરીએ છીએ, સેનાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા હોતા નથી, કોઈ કશું પણ કહી શકે છે અને તેને ફેક ન્યૂઝ બનાવીને વેચી શકે છે. જેમણે આ બધુ લખ્યું છે તે લોકો કોણ છે તે હું જાણતો નથી.’
પૂર્વ એર ચીફ માર્શલ એનસી સૂરીએ પણ આ વાતથી ઈન્કાર કર્યો છે. સૂરીએ કહ્યું કે, ’આ પત્રમાં જે પણ કઈ લખ્યું છે તેનાથી હું સહમત નથી.
અમારી વાતને ખોટી રીતે રજુ કરાઈ છે.’
ત્રણેય પૂર્વ સેના પ્રમુખો એડમિરલ (સેવાનિવૃત્ત) એલ રામદાસ, એડમિરલ (સેવાનિવૃત્ત) અરુણ પ્રકાશ, એડમિરલ (સેવાનિવૃત્ત) મહેતા અને એડમિરલ (સેવાનિવૃત્ત) વિષ્ણુ ભાગવતે પણ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. પત્ર ગુરુવારે રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો.
સામે આવેલા કથિત પત્રમાં પૂ્ર્વ સૈનિકો તરફથી કહેવામાં આવ્યું કે, “મહોદય અમે નેતાઓની અસામાન્ય અને સંપૂર્ણ રીતે અસ્વીકૃત પ્રકિયાનો ઉલ્લેખ કરી રહ્યા છીએ જેમાં તેઓ સરહદ પાર હુમલા જેવા સૈન્ય અભિયાનોનો શ્રેય લઈ રહ્યાં છે અને એટલે સુધી કે સશસ્ત્ર સેનાઓને ’મોદીજીની સેના’ બતાવવાનો દાવો સુદ્ધા કરી રહ્યાં છે.”
પૂર્વ સૈનિકોએ કહ્યું કે આ ચિંતા અને સેવારત તથા સેવાનિવૃત્ત સૈનિકો વચ્ચે અસંતોષનો મામલો છે કે સશસ્ત્ર સેનાઓનો ઉપયોગ રાજકીય એજન્ડા ચલાવવા માટે થઈ રહ્યો છે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાલમાં જ એક ચૂંટણી સભામાં સશસ્ત્ર સેનાઓને મોદીજીની સેના ગણાવી હતી. જેના પર વિરોધી પક્ષોએ આકરી પ્રતિક્રિયા આપી હતી. ચૂંટણી પંચે પણ ટિપ્પણીઓ પર કડક આપત્તિ જતાવી હતી.
ડિગ્રી વિવાદ પર સ્મૃતિના કોંગ્રેસ પર પ્રહારો : કેટલું પણ અપમાન થશે તો પણ તેમને રોકી નહીં શકાય (સં. સ. સે.) અમેઠી, તા.૧૨
ઉત્તરપ્રદેશના અમેઠીમાંથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીના ડિગ્રી વિવાદ પર કોંગ્રેસના પ્રહાર બાદ કેન્દ્રીયમંત્રીએ આજે કોંગ્રેસ પર વળતા પ્રહાર કર્યા હતા. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસના લોકો કેટલો પણ હલ્લો મચાવે તો પણ આ વખતે આ લોકો તેમને રોકી શકવાની સ્થિતિમાં નથી. તેમના ઉપર પ્રહાર કરવાનો કોંગ્રેસના લોકોનેઅધિકાર છે. કોંગ્રેસના લોકો હવે તેમને રોકી શકવાની સ્થિતિમાં નથી. સ્મૃતિએ કહ્યું હતું કે, તેમના ઉપર જેટલા પ્રહારો થશે તેટલી તાકાત તેમની વધતી જશે.
કારણ કે, કોંગ્રેસ પાર્ટીના નામદારની સામે તેઓ ચૂંટણી મેદાનમાં છે જેથી તમામ બાબતોને જોવામાં આવશે. સ્મૃતિ ઇરાનીના ઉમેદવારીપત્ર દાખલ કરતી વેળા ડિગ્રીનો ઉલ્લેખ કરવા પર કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ ઇરાની ઉપર જોરદાર પ્રહાર કર્યા હતા.
સ્મૃતિની લોકપ્રિય ટીવી સિરિયલ ક્યોકિ સાસ ભી કભી બહુ થીની જેમ જ ઇરાની ઉપર ડિગ્રી ઉપર પ્રહાર કર્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, એક નવી સિરિયલ આવનાર છે. ક્યોંકિ મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી આની ઓપનિંગ લાઈન રહેશે. ક્વોલિફિકેશન કે ભી રુપ બદલે હૈ, નયે નયે સાંચે મેં ઢલતે હૈ, એક ડિગ્રી આતી હૈ એક ડિગ્રી જાતી હૈ, બનતે નયે એફિડેવિટ હૈ. તેમણે કહ્યું હતું કે, સ્મૃતિ ઇરાનીએ પોતાની લાયકાતને લઇને એક બાબત કાયમ રાખી છે કે તે કઇરીતે ગ્રેજ્યુએટથી ૧૨માં ક્લાસના થઇ જાય છે. આ બાબત મોદી સરકારમાં જ શક્ય દેખાઈ રહી છે. સ્મૃતિ ઇરાનીએ ગુરુવારના દિવસે ઉમેદવારીપત્ર ભરતી વેળા એફિડેવિટમાં કહ્યું હતું કે, તેઓ ગ્રેજ્યુએટ નથી. એફિડેવિટ મુજબ સ્મૃતિએ દિલ્હી યુનિવર્સિટીની સ્કુલ ઓફ ઓપન લર્નિંગમાં પત્રાચારથી બીકોમમાં પ્રવેશ લીધો હતો. ૧૯૯૪માં તેઓ પ્રથમ વર્ષમાં હતા.