રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવતઃ પારો ૪૩ને પાર

635

રાજ્યભરમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળતાં લોકો તોબા પોકારી ઊઠયા છે. અંગ દઝાડતી અસહ્ય ગરમીનો પ્રકોપ રાજ્યભરમાં વધતાં લોકો અકળાઈ ઊઠયા છે.

શુક્રવાર અમદાવાદ ૪૩.૦ ડીગ્રી સાથે હોટેસ્ટ શહેર બન્યું છે તો અમદાવાદમાં પણ આગના ગોળા વરસતા હોય તેવી સ્થિતિ વચ્ચે ગરમીનો પારો ૪૩ ડીગ્રીએ પહોંચ્યો હતો. શહેરના તાપમાન પર નજર કરીએ તો અમદાવાદમાં ૪૩.૦ ડિગ્રી, ડીસામાં ૪૨.૦ ડિગ્રી, વડોદરામાં ૪૧.૫ ડિગ્રી, રાજકોટમાં ૪૧.૫ ડિગ્રી, ભાવનગરમાં ૪૦.૨ ડિગ્રી ભૂજમાં ૪૧.૯ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૨.૪ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૪૧.૪ ડિગ્રી અમરેલીમાં ૪૨.૪ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૧.૬ ડિગ્રી, વિદ્યાનગરમાં ૪૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધતી ગરમીને પગલે ઝાડા ઉલ્ટીના કેસમાં પણ વધારો થયો છે. ત્યારે તંત્રએ લોકોને બપોરના સમયે ઘરની બહાર જવાની ના પાડી છે.રાજ્યભરમાં આકરા ઉનાળાને લઈ લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. બપોર થતાં જ માર્ગો સૂમસામ થવાની સાથે માર્ગો ઉપર લોકોની અવર-જવર પણ નહીંવત થઈ જાય છે. બીજી તરફ લોકો કામ સિવાય બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. એપ્રિલ મહિનાના આરંભે જ ગરમીનો પારો ૪૨ ડીગ્રીએ પહોંચતાં આવનારા દિવસોમાં હજુ ગરમી વધવાના સંકેત મળી રહ્યા છે.

શુક્રવારે અમદાવાદ સહીત રાજ્યભરમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું હતું. ગરમીના કારણે ઠંડા પીણા અને છાશની માંગમાં ઉછાળો આવ્યો છે.

શહેરી વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ કોલા સેન્ટરો, શેરડીના સેન્ટરો અને જ્યુસ સેન્ટરો ધમધમી ઊઠયાં છે જ્યાં લોકો ગરમીથી છૂટકારો મેળવવાની કોશિશ કરી રહ્યા છે. અમદાવાદમાં મોડી રાત સુધી આઈસ્ક્રીમ અને લસ્સી સેન્ટરો ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહીં છે.

હજુ આવનારા બે મહિના સુધી ગરમીમાંથી છૂટકારો મળે તેવા કોઈ અણસાર નથી. હવામાન વિભાગે હાલમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે આશંકા પણ વ્યક્ત કરી છે કે, આગામી દિવસોમાં ગરમીનું જોર વધી શકે છે. ત્યાં જ તંત્રએ લોકોને કામ સિવાય ઘરની બહાર નહી નીકળવાની સલાહ આપી છે.

Previous articleઅલ્પેશને કોંગ્રેસ સસ્પેન્ડ કરે તેવી સંભાવના
Next articleદ્વારકાની ૨૦૧૭ ચૂંટણી રદ થઇ : ભાજપને લાગેલ ઝટકો