સાહસીક યોદ્ધા વીર મોખડાજી ગોહિલ

1981

ગોહિલો રાજસ્થાનથી સેજકજી ગોહિલના નેતૃત્વ નીચે ઇ.સ.૧૨૫૦માં સૌરાષ્ટ્રમાં આવ્યા હતા. ઇતિહાસ પ્રસિદ્ધ ભાવનગર રાજ્યનું સૂર્યવંશી ગોહિલ રાજકુલ સેજકજીનું વંશજ છે.

સેજકજી એ શાહપુર (હાલના સુદામડા તા.સાયલા) નજીક એક નવું ગામ વસાવી તેનું નામ સેજકપુર રાખ્યું. ઇ.સ.૧૨૯૦માં સેજકજીનું અવસાન થતા તેમના પાટવી કુંવર રાણજી ગાદીએ બેઠા તેમના ભાઇ શાહજી (પાલીતાણા) અને સારંગજી (લાઠી) હતા. રાણજી એ હાલના રાણપુર આસપાસનો પ્રદેશ જીતી લઇ ત્યાં પોતાની રાજધાનીની સ્થાપના કરી તેનું નામ રાણપુર રાખ્યું. રાણપુરમાં નદી કિનારે કિલ્લો બંધાવી પોતાનું રાજ્ય ચલાવેલ.

રાણજી પછી તેના મોટા પુત્ર મોખડાજી ગોહિલ (ઇ.વ.૧૩૦૯ થી ૧૩૪૭) ગાદીએ આવ્યા મોખડાજી ગોહિલે કાગડીયા શાખાના કોળી શાસકો પાસેથી ઉમરાળા જીતી લઇ ત્યાં ગાદી સ્થાપી. આસમયે આરબ વેપારીઓનો વેપાર ખંભાત, સુરત અને ઘોઘાના બંદરોથી થતો. આથી આરબ વેપારીઓને ખંભાતના અખાતમાં આવવું પડતું.

ખંભાતના અખાતમાં આ પીરમબેટ ટાપુનું ભૌગોલિક સ્થાન છે. તેનું મહત્વ આ રાજવીને સમજાઇ ગયું. મોખડાજી ગોહિલે પીરમબેટ જીતી લીધો. પીરમબેટમાં ગામ વસાવી ફરતો કિલ્લોૅ અને ગઢ બાંધ્યા મોખડાજી ગોહિલે દરિયાઇ વ્યાપાર માર્ગ અને પીરમબેટ પર પોતાનું સુદ્રઢ આધિપત્ય પ્રસ્થાપિત કર્યું  તેમાં તેમની દિર્ઘદ્રષ્ટિ જોઇ શકાય છે.

મોખડાજી ગોહિલને થોડા જ સમયમાં વિધર્મીઓનો સામનો કરવાનો પ્રસંગ ઉભો થયો. દિલ્હીનો એક આરબ વેપારી તેમનાં વહાણો ભરીને પીરમબેટ પાસેથી પસાર થતા મોખડાજી ગોહિલે દાણ માગ્યું. જે આપવા ના પાડતા મોખડાજી એ તેમના વહાણો લઇ લીધા. દિલ્હી સલ્તનતનો સુલતાન મુહમદ તુઘલખ (ઇ.વ.૧૩૨૫ થી ૧૩૫૧) આ સમયે ગુજરાતમાં હતો. તેમની પાસે આરબ વેપારીએ ફરિયાદ કરી કે પીરમબેટનો એક હિન્દુ ઠાકોર જહાજના માલ ઉપર જકાત લે છે. વેપારીની ફરીયાદથી દિલ્હીનું લશ્કર ખંભાતથી ઘોઘા ખાતે આવ્યું. (ઇ.સ.૧૩૪૭) પીરમબેટ પર આક્રમણ કરવાનું તેમને અશક્ય લાગતા મોખડાજી ગોહિલને તાબે કરવા ઘણા પ્રયાસો કર્યા. પરંતુ સફળતા ન મળતા પીરમના માર્ગોને ઘેરો ઘાલવામાં આવ્યો. પીરમમાં આ રીતે ઘેરાઇને પડ્યા રહેવાનું મોખડાજીને યોગ્ય ન લાગતા એક રાત્રીએ પોતાના લશ્કરને ઘોઘામાં પ્રવેશ કરાવ્યો. સુરજ ઉગતા  વેત દરવાજા ખોલીને દુશ્મન લશ્કર પર તૂટી પડી વીરોચીત સામનો કર્યો. લડતા લડતા મોખડાજી ગોહિલનું માથું ઘોઘાના કાલિકા દરવાજા પાસે પડ્યું અને ધડ લડતા લડતા ઘોઘાથી સાતેક ગાઉ (૨૨ કી.મી.) દુર ખદરપર ગામ સુધી ગયું. એ એટલા ઝનૂનથી લડ્યું કે દુશ્મનો તેની સામે ટકી શક્યા નહીં. અને નાસવા લાગ્યા કોઇકે દુશ્મનોને સુઝાડ્યું કે ધડ પર ગળીનો દોરો નાખો, નહીંતર કોઇ જીવતા નહી રહો. તે પ્રમાણે કરવાથી ધડ ખદડપરમાં વી.સ.૧૪૦૩ ચૈત્ર સુદ ૯ (નોમ) (ઇ.સ.૧૩૪૭) ના રોજ પડ્યું. સૂર્યવંશી વીર મોખડાજી ગોહિલની શહીદી બાદ દુશ્મન લશ્કર પુરી તાકાતથી લડ્યું એન પીરમનો કોટ તોડી પાડ્યો.

આજે પણ વીર મોખડાજી ગોહિલની ઘોઘામાં દેરી છે. ખદરપરમાં ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય સંપન્ન થયું છે. માગશર સુદ ૧૫ સંવત ૨૦૭૫ શનિવાર તા.૨૨-૧૨-૧૮ ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. પીરમબેટ અને સુરતમાં પાળીયો છે. તે ઘોઘા રાણા તરીકે ઓળખાય છે. મહુવા નજીક ઉંચા કોટડા (ચામુંડા)ના સ્થળે પણ મંદિર આવેલ છે.

આજે તો પીરમબેટ વીર પુરૂષ મોખડાજીની ઐતિહાસિક યાદ સંઘરીને બેઠો છે. કિલ્લાની દિવાલો નષ્ટ થઇ ગઇ છે. ચારે બાજુ પથ્થરો વેરાયેલા પડ્યા છે. મહેલના માત્ર પાયા જ ક્યાંક ક્યાંક દેખાય છે. સદીઓની ઉપેક્ષાએ બધી જ પૂરાતન ભવ્યતા ભૂંસી નાખી છે.

પીરમબેટ પાસેથી હજુ પણ જે વહાણો પસાર થાય છે તના ખારવાઓ મોખડાજીના દાણ (કર) બદલ પોતાની પાસેનું શ્રીફળ થોડા પૈસા દરિયામાં પધરાવી આ વીર પુરૂષને શ્રદ્ધાથી નમન કરી તેમનું સન્માન જાળવે છે.

સંકલન : બળદેવસિંહ ગોહિલ

Previous articleસ્કાઉટ ગાઈડમાં રાજયકક્ષાનો વીરાણી સ્કુલના બાળકોને એવોર્ડ
Next articleબરવાળા પાણી પુરવઠા બોર્ડે ગેરકાયદેસર પાણી ચોરી કરનાર સામે લાલ આંખ કરી