ગાંધીનગરમાં શુક્રવારે ગરમીના પારામાં વધારો થતાં નગરજનો ત્રસ્ત થઇ ગયા હતા. એક ડીગ્રીનો વધારો થતાં તેની અસર દિવસ દરમિયાન શહેર ઉપર જોવા મળી હતી. ત્યારે હિટવેવની અસર વચ્ચે તાપમાનના પારામાં થઇ રહેલાં વધારાના પગલે પાટનગરને યલો એલર્ટ જાહેર કરાયું હતું.
રાજ્યના હરિયાળા પાટનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી બદલાતી જતી આબોહવાના કારણે ઉનાળાની મોસમમાં ગરમી પણ આક્રમક બની રહી છે. ત્યારે આ વર્ષે ચૈત્ર માસના પ્રારંભથી જ મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાનનો પારો ઊંચે જતાં પુર્ણરૂપે ગરમીની મોસમ શહેરમાં જામી હોય તેવા વાતાવરણ વચ્ચે શહેરનું તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રીની વચ્ચે નોંધાઇ રહ્યું છે.
ગુરુવારેે મહત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રીએ પહોંચ્યું હતું. જેમાં એક ડિગ્રીનો વધારો થતાં શુક્રવારે ગાંધીનગરમાં ગરમીનો પારો ૪૨.૪ ડિગ્રીએ આવીને અટક્યો હતો. આમ એક જ દિવસમાં તાપમાનના પારામાં વધારો થતાં પાટનગર વાસીઓ યલો એલર્ટમાં આવી ગયા છે.
તો બીજી તરફ ભેજના પ્રમાણમાં થઇ રહેલાં ઘટાડાના કારણે ગરમીની સાથે સાથે ઉકળાટમાં પણ વધારો થતાં નગરજનો દિવસ દરમિયાન અકળાઇ ગયા હતાં. તો હિટવેવની અસર હેઠળ વધી રહેલાં ગરમીના પારાની અસર આગામી દિવસોમાં પણ લોકોને અનુભવવા મળશે અને તાપમાનના પારામાં વધારો નોંધાશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.