આગામી તા.ર૩ એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીને વધુ સઘન બનાવી દેવામાં આવી છે. તો ગાંધીનગર જિલ્લા ઉપરાંત અન્ય સ્થળોએ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવતાં અને ગાંધીનગર જિલ્લાની મતદાર યાદીમાં રહેલા કર્મચારીઓ મળી કુલ ૧૭ હજાર જેટલા કર્મચારીઓએ જિલ્લા ચૂંટણી તંત્રને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની અરજી કરી છે. તો ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ કર્મચારીઓ માટે આગામી મંગળવારે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે મતદાનની વ્યવસ્થા ગોઠવાઈ છે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે ચૂંટણી તંત્ર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે કામગીરીમાં વ્યસ્ત બન્યું છે. ગાંધીનગર જિલ્લામાં આવેલા પાંચ વિધાનસભા ક્ષેત્ર ત્રણ લોકસભા વિસ્તારમાં આવે છે. જેમાં ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને મહેસાણા લોકસભા વિસ્તારનો સમાવેશ થાય છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ચૂંટણી અધિકારી તરીકે ગાંધીનગર જિલ્લા કલેકટર ફરજ નિભાવી રહયા છે.
ત્યારે હાલ જિલ્લાના મતદાન મથકો ઉપર ફરજ નિભાવનાર પ્રીસાઈડીંગ, પોલીંગ અને ફ્લોર પોલીંગ ઓફીસરને તાલીમ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જિલ્લામાં અંદાજે આઠ હજાર જેટલા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. આ કર્મચારીઓ માટે તાલીમની સાથે સ્થળ ઉપર જ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા પણ ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે.
તો ગાંધીનગર જિલ્લાની મતદાર યાદીમાં હોય અને અન્ય સ્થળે ચૂંટણી કામગીરીમાં રોકાયા હોય તેવા ૧૭ હજાર જેટલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી વોટીંગ કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્રને અરજી કરી છે જેથી તેમના માટે મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી સમયે મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ ફરજ બજાવવાના છે ત્યારે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આગામી મંગળવારે પોલીસ જવાનો માટે મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ જવાનો આ સ્થળે બેલેટથી મતદાન કરી શકશે.