પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના હેલીકોપ્ટરને ઉતરવાની મંજૂરી આપવાની ના પાડી દીધી છે. રાહુલ ગાંધીના હેલીકોપ્ટરને ઉતરવાની મંજૂરી નહીં મળતા સિલિગુડીમાં થનારી રાહુલ ગાંધીની સભા રદ કરવાની ફરજ પડી છે. આ પહેલા મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી અને વડાપ્રધાન મોદીને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપવામાં નનૈયો ભણ્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દાર્જિલિંગ લોકસભા બેઠકના ઉમેદવાર શંકર મલાકારે કહ્યું કે, તેમણે પોલીસ ગ્રાઉન્ડમાં ૧૪ એપ્રિલે રાહુલ ગાંધીનું હેલીકોપ્ટર ઉતારવા માટેની મંજૂરી માંગી હતી, પરંતુ પોલીસે મંજૂરી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે, ‘અમને મંજૂરી નહીં મળવાના કારણે રેલી રદ કરવી પડી છે.’સિલિગુડીના પોલીસ અધિકારી બી એલ મીણાએ આ વાતની પુષ્ટી કરતા કહ્યું કે, કોંગ્રેસે પોલીસ ગ્રાઉન્ડમાં હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી માંગી હતી પરંતુ અમે તેમને મંજૂરી આપી નથી.
મીણાએ કહ્યું કે, ‘અમે તે ખાસ મેદાનમાં હેલિકોપ્ટર ઉતારવાની ના પાડી દીધી છે.
અમારા કેટલાક નિયમો છે જેના કારણે અમે તેમને અહીં હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપી નથી. પરંતુ તેઓ કોઈ બીજી જગ્યાએ હેલિકોપ્ટર ઉતારવાનો વિકલ્પ લઈને અમારી પાસે નહતા આવ્યા.