રાફેલ ડિલ થયા બાદ અંબાણીના ૧૧૨૫ કરોડના ટેક્સ માફ થયા

585

ફ્રાંસે રાફેલ ડિલની જાહેરાત બાદ અનિલ અંબાણીની કંપનીના ૧૪.૩૭ કરોડ યુરો એટલે કે આશરે ૧૧૨૫ કરોડ રૂપિયાના ટેક્સ માફ કરવામાં આવ્યા હતા તેવા ફ્રાંસીસી અખબારના ઘટસ્ફોટ બાદ રાફેલ ડિલને લઈને ફરી એકવાર મામલો ગરમ થઈ ગયો છે. ફ્રાંસના અખબાર લૂ મુંદમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત દ્વારા ૩૬ રાફેલ યુદ્ધ વિમાન ખરીદવાની જાહેરાતના થોડાક મહિના બાદ જ ૨૦૧૫માં ફ્રાંસ સરકારે રિલાયન્સ કોમ્યુનિકેશનની ફ્રાંસમાં રજીસ્ટર્ડ ટેલિકોમ સબસિડરીના ટેક્સને માફ કરવાની જાહેરાત કરી હતી. જોકે રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા ફ્રાંસીસી અખબારના રિપોર્ટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કોઈપણ પ્રકારની ગેરરીતિ અથવા તો અનિયમિતતા થઈ નથી. અહેવાલ બિલકુલ આધાર વગરના છે. નિયમો હેઠળ જ જે લાભ મળવાના હતા તે મળ્યા હતા. રિલાયન્સ કોમ્યુનિકેશનના એક પ્રવક્તાએ કહ્યું છે કે ટેક્સ ડિમાન્ડ સંપૂર્ણપણે ખોટી અને ગેરકાયદે હતી. કંપનીએ કોઈપણ પ્રકારના પક્ષપાત અથવા તો સેટલમેન્ટથી કોઈપણ પ્રકારના ફાયદા લીધા હોવાનો ઈનકાર કર્યો છે. સમગ્ર મામલો ચર્ચામાં આવ્યા બાદ ફરી એકવાર આક્ષેપબાજીનો દોર શરૂ થયો છે. આરકોમે કહ્યું છે કે ટેક્સ વિભાગને એવી કાયદાકીય જોગવાઈ હેઠળ લાગુ કરવામાં આવ્યા હતા જે ફ્રાંસમાં સંચાલિત તમામ કંપનીઓ માટે ઉપલબ્ધ છે. ટેક્સ વિભાગ એવી તમામ કાયદાકીય જોગવાઈ હેઠળ છે. સંરક્ષણ મંત્રાલયે પણ કહ્યું છે કે રાફેલ ડિલ અને ટેક્સ મામલાને એકસાથે જોડીને જોવાની બાબત સંપૂર્ણપણે ખોટી છે. પક્ષપાત હોવાની સાથે સાથે ગેરમાર્ગે દોરનાર અને લોકોને ભ્રમિત કરનાર છે.  ફ્રાંસીસી અખબારના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્રાંસના ટેક્સ અધિકારીઓએ રિલાયન્સ ફ્લેગ એટલાન્ટીક ફ્રાંસથી નિર્ણય હેઠળ ૭૩ લાખ યુરો આશરે ૫૭.૧૫ કરોડ રૂપિયા સ્વીકાર કર્યા હતા. જ્યારે મૂળભૂત માંગ ૧૫.૧ કરોડ યુરો આશરે ૧૧૮૨ કરોડ રૂપિયા હતી. રિલાયન્સ ફ્લેગના ફ્રાંસમાં ટેરેસ્ટેરીયલ કેબલ નેટવર્ક અને બીજા ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર પર પ્રભુત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન ફ્રાંસના પ્રમુખ ફ્રાંસવા ઓલાંદની સાથે વાતચીત બાદ ૧૦મી એપ્રિલ ૨૦૧૫ના દિવસે પેરિસમાં ૩૬ રાફેલ વિમાનો ખરીદવાની જાહેરાત કરી હતી. રાફેલ ઉપર અંતિમ ડિલ ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે થઈ હતી. વિમાનની કિંમત ઉપરાંત કોંગ્રેસ પાર્ટી તરફથી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સને ડસો એવિએશનના ઓપસેટ પાર્ટનર તરીકે પસંદ કરવાને લઈને પણ સરકાર પર પ્રહાર કરતા રહ્યા છે. ડસો રાફેલ વિમાન બનાવે છે. ફ્રાંસીસી અખબારના કહેવા મુજબ ફ્રાંસના ટેક્સ અધિકારીઓએ રિલાયન્સ ફ્લેગમાં તપાસ કરી હતી અને એવું શોધી કાઢ્યું હતું કે કંપની ઉપર ૨૦૦૭ થી ૨૦૧૦ દરમિયાન છ કરોડ યુરો એટલે કે ૪૭૦ કરોડ રૂપિયાના ટેક્સ રહેલા છે. અલબત્ત રિલાયન્સે સેટલમેન્ટ માટે માત્ર ૭૬ લાખ યુરો એટલે કે ૫૯.૫ કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જેને ફ્રેન્ટ સત્તાવાળાઓએ ફગાવી દીધી હતી. ઓથોરિટીએ ૨૦૧૦ થી ૨૦૧૨ માટે કંપનીની અન્ય તપાસ કરાવી હતી. જેમાં ૯.૧ કરોડ યુરો અથવા તો ૭૧૨ કરોડ રૂપિયા ટેક્સ ચુકવણીની વાત કરવામાં આવી હતી. અખબારના રિપોર્ટમાં કહેવાયું છે કે એપ્રિલ ૨૦૧૫ સુધી રિલાયન્સ ઉપર ઓછામાં ઓછા ૧૫.૧ કરોડ યુરો અથવા તો ૧૧૮૨ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવાનો બાકી હતો. પેરિસમાં મોદી દ્વારા રાફેલ ડિલની જાહેરાત બાદ ઓકટોબર ૨૦૧૫માં ફ્રાંસીસી ઓથોરિટીએ સેટલમેન્ટ હેઠળ રિલાયન્સના ૧૧૮૨ કરોડ રૂપિયાના બદલે ૭૩ લાખ યુરો એટલે કે આશરે ૫૭.૧૫ કરોડ રૂપિયા સ્વીકારી લીધા હતા.

Previous articleમહામિલાવટીઓ દેશનો વિકાસ નથી પચાવી શકતા એટલે નારાજ : મોદી
Next articleઆજે રામનવમી : જન્મના ઉત્સવને ઉજવવાની તૈયારી