શેરબજારમાં ૮ પરિબળોની સીધી અસર હશે : કારોબારી આશાવાદી

574

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં આઠ પરિબળોની અસર જોવા મળી શકે છે જેમાં ત્રિમાસિક કમાણીના આંકડા, ચૂંટણીને લઇને ઉત્સુકતા, એફઆઈઆઈ પ્રવાહનો સમાવેશ થાય છે. આગામી સપ્તાહમાં શેરબજારની દિશા નક્કી કરવામાં આઠ પરિબળો મુખ્ય ભૂમિકા અદા કરશે. બેંચમાર્ક સેંસેક્સ અને નિફ્ટી પાંચ સેશન પૈકી ત્રણમાં સુધર્યા હોવા છતાં કારોબારના અંતે હકારાત્મક સ્થિતિ રહી ન હતી. સેંસેક્સમાં છેલ્લા સાત કારોબારી સેશનમાં તેજી જોવા મળી હતી. જો કે, કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટીમાં ઘટાડા સાથે કારોબાર રહ્યો હતો. બે કારોબારી રજા આવી રહી છે. નવા સપ્તાહમાં મહત્વના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. માઇક્રો ઇકોનોમિક ડેટા, રાજકીય ગણતરી, વૈશ્વિક ભાવનાઓ જેવા પરિબળો જોવા મળી શકે છે. શેરબજારમાં બુધવારના દિવસે મહાવીર જ્યંતિની રજા રહેશે જ્યારે શુક્રવારના ગુડ ફ્રાઇડેની રજા જોવા મળનાર છે. ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે જેમાં વિપ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચડીએફસી બેંકનો સમાવેશ થાય છે. મંગળવારના દિવસે આ કંપનીઓ દ્વારા તેમના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામ જારી કરવામાં આવનાર છે. આ પરિણામ ક્રમશઃ મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે જાહેર કરાશે. છેલ્લા સપ્તાહમાં ઇન્ફોસીસ અને ટીસીએસ દ્વારા અપેક્ષા કરતા વધુ સારા આંકડા જારી કર્યા હતા. આ પ્રવાહ જારી રહેવાની સ્થિતિમાં મૂડીરોકાણકારોનો નૈતિક જુસ્સો વધ શકે છે. માર્ચ મહિના માટે રિટેલ ફુગાવાના આંકડા હવે જારી કરવામાં આવનાર છે. શુક્રવારના દિવસે કારોબાર બાદ ફેબ્રુઆરી મહિના માટેના આઈઆઈપીના આંકડા પણ જારી કરાશે. સોમવારના દિવસે હોલસેલ ફુગાવાના આંકડા અને ટ્રેડ બેલેન્સના આંકડા જારી કરવામાં આવનાર છે. વાર્ષિક રિટેલ ફુગાવાના આંકડા અગાઉના મહિનામાં વધીને ૨.૯ ટકા થયો હતો જે અગાઉના મહિનામાં ૨.૬ ટકા હતો. બંને મહત્વપૂર્ણ આંકડા બજારની દિશા નક્કી કરી શકે છે. ફુગાવાના આંકડા હજુ પણ આરબીઆઈના ટાર્ગેટ કરતા નીચે છે. આવી સ્થિતિમાં જૂન મહિનામાં વ્યાજદરમાં વધુ એક વખત ઘટાડો થઇ શકે છે. આરબીઆઈની બેઠક હાલમાં યોજાઈ હતી જેમાં વ્યાજદરમાં ઘટાડો કરાયો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૧૧૦૯૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળો મજબૂત હોવાના કારણે વિદેશી રોકાણકારો આશાવાદી બનેલા છે. અગાઉના બે મહિનામાં રોકાણકારો મોટાપાયે ખરીદી કરી ચુક્યા છે.  ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવી ચુક્યા છે. તે પહેલા એફપીઆઈએ જાન્યુઆરી મહિનામાં મૂડી માર્કેટમાંથી ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.

Previous articleFPI દ્વારા એપ્રિલ મહિનામાં કુલ ૧૧૦૯૬ કરોડનું રોકાણ
Next articleજેટના પાયલોટ સ્પાઇસમાં ૫૦ ટકા ઓછા પગાર સાથે