પાકિસ્તાનમના બાલાકોટમાં ભારતીય વાયૂ દળની એર સ્ટ્રાઇક પછી બોખલાયેલા પાકિસ્તાને અત્યાર સુધી સરહદ પર ૫૧૩ વખત સંઘર્ષવિરામનો ભંગ કર્યો હોવાનો અહેવાલ છે. વિતેલ દોઢ મહિનામાં આ ઘટનાઓમાં વધારો થયો હોવાની માહિતી આપતા આર્મીના સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય સેનાએ તેનો યોગ્ય જવાબ આપ્યો છે અને પાકિસ્તાનની બાજુએ ભારત કરતાં વધારે નુકસાન થવા પામ્યું છે. પાકિસ્તાની આર્મીએ ૧૦૦થી વધુ વાર ભારે મશીનરી જેવી કે મોર્ટાર અને આર્ટિલરીનો ઉપયોગ ભારતીય સરહદમાં નુકસાન પહોંચાડવા માટે કર્યો છે. પાકિસ્તાની આર્મીએ નાગરિકી વિસ્તારમાં તોપગોળા ફેંક્યા છે. વ્હાઈટ નાીટ કોર્પ્સના જનરલ ઓફિરસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ પરમજિતસિંઘે રાજૌરીમાં કહ્યું કે, પાકિસ્તાની સેના સતત અડપલાં કરી રહી છે.
પણ ભારત તરફથી તેનો યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે.
ભારતમાં પાકિસ્તાની સેનાને કારણે કેટલી ખુવારી થઈ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ભારત કરતાં પાકિસ્તાનની બાજુએ વધુ ખુવારી થયાનું અમારી જાણમાં છે. તેમણે કહ્યું કે, ભારત કરતાં પાકિસ્તાનમાં છ ગણી ખુવારી નોંધાઈ હોવાનું અમારી પાસે રિપોર્ટ છે. સરહદ પારથી સ્નાઈપરનો ઉપોયોગ કરવા અંગે જનરલ સિંઘે કહ્યું કે, આ પ્રકારના બનાવો છેલ્લા કેટલાક મહિનાથી તેમના ધ્યાનમાં આવ્યા છે. અગાઉ પણ સ્નાઈપર દ્વારા ગોળીબાર કરવાની ઘટનાઓ બનતી હતી પણ બાલાકોટમાં ભારતીય વાયુ દળે સ્ટ્રાઈક કરી તે પછી તેમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, ૨૭મી ફેબ્રુઆરી સુધી સરહદી વિસ્તારમાં સ્નાઈપરના હુમલાની કોઈ ઘટનાઓ બનતી નહોતી પણ તે પછી તેમાં વધારો થયો છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઇ હાઇ-એલર્ટ : બાઇકના ઉપયોગની આશંકા
જમ્મુ કાશ્મીરમાં ફરીવાર આતંકવાદી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યુ. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓ શ્રીનગર હાઈવે પર મોટા હુમલાને અંજામ આપી શકે. જેથી હાઈવે પર સુરક્ષા વધારી સેનાને એલર્ટ કરવામાં આવી. મળતી માહિતી મુજબ આતંકવાદીઓ મોટર સાયકલનો ઉપયોગ કરી હુમલાને અંજામ આપી શકે છે.
આતંકવાદી હુમલાના એલર્ટના પગલે હાઈવે પર સેનાના કાફલાને રોકી દેવામાં આવ્યો છે. જમ્મુ શ્રીનગર હાઈવે રવિવાર અને બુધવારે બંધ રહે છે. જેથી આતંકવાદીઓ હાઈવે પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, આ પ્રકારનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે ૧૪મી ફેબ્રુઆરીએ આતંકવાદીઓએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. જેમા સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. જે બાદ જમ્મુ શ્રીનગર હાઈવે પર સુરક્ષા વધારવામાં આવી છે.