નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ નજીક એક નાનું વિમાન ઉડાન ભરતા સમયે ત્યાં પાર્ક કરેલા હેલિકોપ્ટર સાથે ક્રેશ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય ચાર લોકો ઘવાયા છે. ઉડ્ડયન અધિકારી રાજ કુમાર છેત્રીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ત્યારે બની જ્યારે સુમીત એરનું એક વિમાન કાઠમાંડુના લુકલા વિસ્તારના એરપોર્ટ પરથી ઉડાન ભરવા જઇ રહ્યું હતું. ઉડાન ભરતા સમયે વિમાન રન-વે પર લપસી ગયું હતું અને ત્યાં પાર્ક કરેલા માનંગ એરના હેલિકોપ્ટર સાથે ક્રેશ થઇ ગયું હતું.
લુકલા ખાતેનું તેન્જિંગ હિલેરી એરપોર્ટ વિશ્વના સૌથી જોખમી એરપોર્ટમાંથી એક છે.
નેપાળ પોલીસના પ્રવક્તા ઉત્તમ રાજ સુબેદીએ જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્તોને એરલિફ્ટ કરીને કાઠમાંડુની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને અધિકારીઓએ એરપોર્ટ પર આગ ના લાગે તેની તકેદારી રાખી હતી. મૃતકોમાં પાઇલોટ અને એરપોર્ટ ઉભેલા બે પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. નાગિરક ઉડ્ડયન અધિકારી નરેન્દ્ર કુમાર લામાએ જણાવ્યું હતું કે, ચાર યાત્રી અને એક ફ્લાઇટ એટેન્ડન્ટ સુરક્ષિત છે.