ઇવીએમને લઇને વિરોધ પક્ષો ફરી એકત્રિત થઇ રહ્યા છે. આને લઇને આક્ષેપબાજીનો દોર શરૂ થઇ ગયો છે. આજે યોજાયેલી મહાગઠબંધનની બેઠક ઉપર ભાજપે આકરા પ્રહાર કર્યા હતા. ભાજપે આ બેઠક અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ચૂંટણીના પરિણામ પહેલા જ મહાગઠબંધને હાર સ્વીકારી લીધી છે અને ઇવીએમને લઇને પ્રશ્નો ઉઠાવવાની શરૂઆત કરી દીધી છે. કહેવાતા ગઠબંધનને હારનો ભય સતાવી રહ્યો છે. ભાજપના નેતા જીવીએલ નરસિંહાએ કહ્યું છે કે, દિલ્હીમાં જે બેઠક થઇ છે તેમાં આ લોકોને ખબર પડી ગઇ છે કે, પ્રથમ તબક્કામાં માહોલ કયા દિશામાં રહ્યો છે. મહાગઠબંધનની હાર સ્વીકારનાર બેઠક તરીકે આને જોઈ શકાય છે. તેમણે કહ્યું હતું કે, મહાગઠબંધનની પાસે કોઇપણ પ્રકારના એજન્ડા નથી. લોકોને બતાવવા માટે કોઇ લીડરશીપ પણ નથી. આવી સ્થિતિમાં ઇવીએમને લઇને યોજાયેલી બેઠક તેમની હાર દર્શાવે છે. આગામી દિવસોમાં આ લોકો વધારે હોબાળો મચાવશે. જ્યારે ચૂંટણીમાં જીત થાય છે ત્યારે ઇવીએમ ઉપર પ્રશ્નો કરવામાં આવતા નથી પરંતુ જ્યારે હાર થાય છે.
ત્યારે પ્રશ્નો શરૂ થઇ જાય છે. જે રીતે વિરોધીઓને ફિડબેક મળી રહ્યા છે તેમનાથી તેમની ચિંતા વધી ગઈ છે. પ્રથમ તબક્કામાં મતદાન યોજાયા બાદ આ લોકોના સમર્થકો અને સુત્રો પાસેથી જે માહિતી મળી છે તે મુજબ કયા દિશામાં પવન છે તેને લઇને આ લોકોની ચિંતા વધી છે જેથી તરત જ ઇવીએમને લઇને પ્રશ્નો ઉઠાવવાની શરૂઆત થઇ ચુકી છે જે તેમની હતાશા સ્પષ્ટપણે દર્શાવે છે.