ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આજના દિવસે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને છપૈયા ગામમાં પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો હતો. તેની સ્મૃતિમાં તીર્થધામ સારંગપુર ખાતે ૨૩૮મી સ્વામિનારાયણ પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું પ્રાંગણ હરિભક્તોની ભીડથી છલકાતું હતું. બીએપીએસના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજ હાલ સારંગપુર ખાતે બિરાજે છે. તેમની પ્રાતઃપૂજાના દર્શનનો લ્હાવો સૌ ભક્તોને સાંપડ્યો. સાથે સાથે એક એતિહાસિક પ્રસંગ પણ બની ગયો. સ્વામિનારાયણ ભગવાનનો આશરો ગ્રહણ કરતી વખતે ભક્તોને બોલાવવામાં આવતો વર્તમાન દીક્ષા મંત્ર તેનું પ.પૂ. મહંતસ્વામી મહારાજે વિધિવત્ શુભારંભ કર્યો હતો. આ નૂતન મંત્રથી વર્તમાન દીક્ષા ધારણ કરનાર સભામાં ઉપસ્થિત સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. બપોરે ૧૨.૦૦ વાગે મંદિરમાં રામચન્દ્ર ભગવાનના જન્મોત્સવની મહાઆરતી કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમ્યાન મંદિરમાં વિવિધ કથાપ્રસંગોનો દોર શરૂ રહ્યો હતો. સાંજે ૭.૦૦ વાગે મુખ્ય ઉત્સવ સભાનો પ્રારંભ થયો હતો. જેમાં સંસ્થાના વિદ્વાન સંતો પૂ. આત્મતૃપ્ત સ્વામી, પૂ. આદર્શજીવન સ્વામી, પૂ. ભક્તિસાગર સ્વામી, પૂ. નારાયણમુનિ સ્વામી, પૂ. ભદ્રેશ સ્વામી અને પૂ. ડૉક્ટર સ્વામીએ સુંદર કથામૃતનો લાભ આપ્યો હતો. જેમાં ભગવાન સ્વામિનારાયણે પૃથ્વી પર પ્રગટ થઈને આપણા પર કરેલા ઉપકારોને યાદ કરવામાં આવ્યા હતા. તે દરમ્યાન પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંતસ્વામી મહારાજે સભામાં પ્રવેશ કર્યો. તેઓના આગમનથી હજારો ભક્તો અને સંતોમા ઉત્સાહ છવાઈ ગયો. આ ઉત્સવનો સભામંચ પણ ખૂબ આકર્ષક હતો. વિવિધ કળા-કોતરણી, કમાનો અને રંગીન લાઈટોથી સુશોભિત મંચ સાક્ષાત્ અક્ષરધામની સ્મૃતિ કરાવતું હતું. પ.પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વાદ વહાવતાં જણાવ્યું કે, ‘આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ સ્વયં પૃથ્વી પર પધાર્યા અને આપણને તેમનો આશરો થયો માટે આપણા ભાગ્યનો પાર નથી. આપણે ખરેખર ધન્ય થઈ ગયા છીએ. તેમને અક્ષરપુરુષોત્તમ ઉપાસના આપી. આપણે પોતાને અક્ષર માનવાનું છે તો જ પુરુષોત્તમનો સંબંધ થાય. ભગવાન સિવાય બીજું બધું નિરર્થક છે માટે ભગવાનને વિષે પ્રીતિ કરીને જીવન સફળ કરી લેવું.’ ત્યારબાદ તેઓએ શ્રીહરિ જયંતીની મુખ્ય આરતી ઉતારી હતી. આ રીતે સમગ્ર દિવસ દરમ્યાન નિર્જળ ઉપવાસ સાથે ભજન-કીર્તન કરીને સારંગપુરમાં સૌએ ધામધૂમથી રામનવમી અને શ્રીહરિજયંતીની ઉજવણી કરી હતી.