એક્સેલ ક્રોપ કેર લિમિટેડ છેલ્લા ર૦ વર્ષથી વિદ્યાર્થીઓની ટેલેન્ટ ઉજાગર કરવા માટે કલા સાહિત્ય અને સંગીત જેવા વિભાગોની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે. જેમાં માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજ કક્ષાએ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. વર્ષ ર૦૧૭-૧૮ની સંગીતની સ્પર્ધાઓમાં લોકગીત, ગ્રુપ સોન્ગ્સ, સુગમ સંગીત જેવી થીમ આધારીત સ્પર્ધાઓમાં ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ૯ વિદ્યાર્થીઓની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રનર્સઅપ બનવામાં સફળતા પ્રાપ્ત કરેલ છે. તા.૬-૧-ર૦૧૭ને શનિવારના રોજ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે યોજાયેલ વિનર-શોમાં વીજેતા સ્પર્ધકોને ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી. સ્પર્ધામાં શાળાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ જાદવ સંજય, આચાર્ય મનન, સેંતા જાફરઅલી, ચૌહાણ અજય, ભરડવા શ્યામ, સાંબડ ગોપી, સાંબડ નયના, ચૌહાણ અંકિતા અને ગઢવી મહેશ વિજેતા બન્યા હતા. સંસ્થાના સંચાલક/સીઈઓ લાભુભાઈ સોનાણીએ જણાવેલ કે, સ્પર્ધામાં શાળાની હરીફાઈ કુલ ૪૦થી વધુ સમધારણ શાળાઓ વચ્ચે હતી. શાળા આ સ્પર્ધામાં નજીવ અંતરે દ્વિતિય સ્થાન મેળવવામાં સફળ રહી છે તે ખરેખર ગૌરવરૂપ બાબત છે. આ નોંધનિય ઘટના અંગે શાળાના માનદ મંત્રી મહેશભાઈ પાઠકે સમગ્ર ટીમ અને સહાયકોને અભિનંદન પાઠવ્યા હતા.