લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર એક લાખથી વધુ મતદારોને જિલ્લા ચૂંટણી વહીવટીતંત્ર પોસ્ટકાર્ડ મોકલશે. વહીવટીતંત્ર અને પોસ્ટ વિભાગ દ્વારા સાથે મળી આજથી આ પોસ્ટકાર્ડનું વિતરણ કરવામાં આવશે. અમદાવાદમાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પાસે આ પોસ્ટકાર્ડ લખાવવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાન્ડેએ જણાવ્યું હતું કે પ્રથમ વખત વોટ કરનાર લોકો કરવા જાય તેવો સંદેશો આપવા માટે એક લાખ ૧ હજારથી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. ઘર-ઘર સુધી આ પોસ્ટકાર્ડ પહોંચાડવામાં આવશે. કલેક્ટરે ૨૩મી એપ્રિલે મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી.
ચૂંટણીપંચના હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ૪ હજારથી વધુ ફરિયાદો આવી છે જેનો નિકાલ કરવામાં આવ્યો છે. સી-વિજિલ એપ્લિકેશન પર ૩૫૦ ફરિયાદો આવી હતી. જેનો પણ અમે નિકાલ કર્યો છે. નેશનલ પોર્ટલ પર ૯ જેટલી ફરિયાદ મળી છે જેમાં ૮ ફરિયાદનો અમે નિકાલ કર્યો છે.