આ એક કરુણ ઘટના છે,કે આજની યુવા પેઢી ડિપ્રેશન આત્મહત્યા તરફ આગળ વધી રહી છે. ડિજિટલ યુગમાં બધું સ્માર્ટ થયું છે તો માણસની વિચાર શક્તિ શા માટે સ્માર્ટ બનતા અટકે છે ? સુવિધાઓ જેમ જેમ વધી છે તેમ તેમ આળસ પણ વધી છે અને સહનશક્તિ ઘટી છે. અત્યારના એક વાત પર ખૂબ ચર્ચા થાય છે “શિક્ષણ” લોકોનું માનવું એવું છે કે “ભાર વગરનું ભણતર” હોવું જોઈએ એના બદલે વિદ્યાર્થીઓ પર ભણતરના ભારનો જાણે ખડકલો કરી દેવામાં આવ્યો છે. કોઈ વિદ્યાર્થી આત્મહત્યા કે ડિપ્રેશનનો ભોગ બને એટલે સીધી આંગળી “શિક્ષણ” તરફ ચીંધાય છે ? આ કેટલા અંશે સાચું છે ???
એકવાત હંમેશા યાદ રાખવી કોઈ તરફ ચીંધાતી એક આંગળીનો દોષ બીજી ત્રણ આંગળી આપણા તરફ જ આવે છે માત્ર ભણતર કે શિક્ષણ પદ્ધતિનો વાંક મને તો નથી જ લાગતો અને નથી જ. વિદ્યાર્થીઓના ૮૦-૯૦ ના દાયકાના સમયમાં પણ આત્મહત્યાના સમાચારો આવતા જ, પણ ફરક એટલો કે એનું પ્રમાણ હવે વધી ગયું છે. આ ગંભીર પરિસ્થિતિને હરાવવા કોઈ ઉપર દોષારોપણ કરવાને બદલે એને અટકાવવા પર વિચાર અને અમલ કરવો જરૂરી છે…
દેશનું ભાવિ, એક વિદ્યાર્થી, એક જીવ… એમ હિંમત હારે તો વાંક કોનો ?
દોસ્તો, વાંક… છે ઘરમાંથી મળતા વાતાવરણનો, મા-બાપ દ્વારા કરવામાં આવતી સરખામણીનો, બાળકને નાનપણથી જ ઘોડાની જેમ રેસમાં દોડાવવાની વિચારસરણીનો, આપણા સમાજનો, ત્યાર બાદ શિક્ષણનો, સિસ્ટમનો અને સિસ્ટમથી બંધાયેલાં શિક્ષકોનો. બધાનાં કટાક્ષો સાંભળીને,મનમાં હજારો વાર થાકીને, હારીને, મનમાં અનેકવાર મરી ને અંતે કોઈ બાળક આત્મહત્યા તરફ દોરાઈ છે.કોઈ એક નિષ્ફળતામાં મરવાની હિંમત કરે એવી નબળી પેઢી પહેલા પણ ન હતી ને આજે પણ નથી જ…
બાળમાનસ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તમારી કહેલી ન કહેલી બધીજ વાતો તે પોતાની સમજ પ્રમાણે મનમાં વિચારી લેતો હોય છે એટલે જ કોઈપણ બાળકની સામે માત્ર શબ્દોથી જ નહીં, આપણા હાવભાવ, પ્રતિભાવો, હંમેશા હકારાત્મક રાખવા જોઈએ.એક સામાન્ય વાતથી આપણે સૌ પસાર થઈ ચૂકેલા છીએ કે આપણને શરીર ઉપર કઈ વાગે તો તરત જ દવા લગાડીએ છીએ નહિ કે તે વધુ દુઃખે તેવું કામ કરીએ છીએ.તો બાળકો સાથે બનેલ ઘટનાને સરળતા – સહજતાથી અપનાવીને તેમાંથી આપણાં બાળકને બહાર કાઢવાનું કામ કરવાનું છે અને વધારે દુઃખના અંધકારમાં ધકેલવાનું નથી.
ઈશ્વરે ચાર આંગળીને એક અંગૂઠો એક સમાન નથી બનાવ્યા પણ બધાને પોતાનું મહત્વ અને આગવી વિશેષતા છે. કોઈ એક વગર કામ કરવું મુશ્કેલ થાય છે તે જ રીતે બધા બાળકો ભણવામાં હોશિયાર જ હોય. પ્રથમ નંબર જ આવે હંમેશા એવો હઠાગ્રહ ન રાખવો જોઈએ. દરેક બાળકની અંદર અલગ અલગ ખાસિયતો છુપાયેલી હોય જ છે. આપણું કામ તેનામાં રહેલી ખૂબીને જાણીને તેને ચાર ચાંદ લાગવાનું છે. કોઈને ભણવામાં રસ હોય તો કોઈને રમતમાં, ચિત્રમાં, ખેતીનાં કામકાજમાં, નૃત્યમાં , સંગીતમાં, વાકચાતુર્યમાં, અભિનયમાં આવા ઘણાં અપાર ક્ષેત્રો છે જેમાં બાળક પોતાની રુચીને વિકસાવીને ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે. આપણે તેને ડરાવવા કે ધમકાવાનો નથી પરંતુ વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ, સ્વમાન, સાહસ, વિનય વિવેક, ચાતુર્ય જેવા ગુણો અને સાચા ખોટાની પરખને વિકસાવી માત્ર તેમાં “મોરલ સપોર્ટ” તરીકે આંતરિક શક્તિ બની ઉભા રહેવાનું છે. બાળક આગળ વધે પ્રથમ આવે તેવા આગ્રહમાં બાળક જ ના રહે તેવું આપણે કોઈ ન જ ઇચ્છીએ ….ખરૂં ને ! ! !
આ તો આપણે બધાને સમજવાની વાત થઈ. પણ હવે થોડુંક આજની પેઢી “વિધાર્થી મિત્રો”ને પણ મારે કંઈક કહેવું છે : તમે બધાં જ ઘણા સમજુ છો, બુદ્ધિચાતુર્યથી ભરપૂર છો, ટેકનોલોજી અને ગૂગલની મદદથી બધુ જ કરી લેશો એવું માનો છો અને અંશતઃ સાચું પણ છે જ મિત્રો ! પણ “અનુભવ” તો ગુગલ પાસેથી નહિ આપણા મા-બાપ વડીલો ગુરુજનો પાસેથી જ મળશે અને એમાં પણ “મા-બાપ” અને “શિક્ષક” આ બે એવા વ્યક્તિત્વ ધરાવે છે કે તે તો પોતાના બાળકોનું ભૂલમાં પણ ખરાબ ન જ ઈચ્છે અને ન જ થવા દે. આથી તેમના પર વિશ્વાસ મુકતા દરેક વિદ્યાર્થી મિત્રોએ શીખવું જ જોઈએ. એમણે મેળવેલી અનુભવોની પાઠશાળાની શીખ આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવામાં અસરગત નીવડે છે.