લાકરોડામાં નદીના કોતરોમાં દિપડો દેખાયો

688

લાકરોડામાં નદીના કોતર વિસ્તારોમાં વનરક્ષકની નજર અને દિપડાની નજર એક થતાં દિપડો નાળામાંથી ભાગી ગયો હતો. જોકે દિપડાને પકડવા માટે તેના પગલાંની સમગ્ર વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા નદીના કોતરોમાં પાંજરા મુકવામાં આવ્યા છે.

સાબરમતી નદીના કિનારાના ગાંધીનગર, માણસા તાલુકાના અમુક ગામોમાં અવાર નવાર દિપડો દેખાય છે. રવિવારે માણસા તાલુકાના મહુડીના વનરક્ષક લાકરોડાના નદી કિનારા વિસ્તારમાં તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન નદીના કોતરોના નળામાં દિપડો નજરે પડ્યો હતો. લાકરોડા નદીના કોતરોમાં દિપડો હોવાની જાણ વન વિભાગને કરતા સમગ્ર ટીમે દિપડાના પગલાં દેખાયા તે સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે. દિપડાને પકડવા માટે નદીના કોતરોમાં પાંજરા પણ મુકાયા છે. ગ્રામજનોને નદી કોતર વિસ્તારમાં નહી જવા સુચના આપવામાં આવી છે લાકરોડાના નદીના કોતર વિસ્તારોમાં દિપડો જોવા મળ્યો હોવાથી એકલ દોકલ વ્યક્તિએ નદીના કોતર વિસ્તારમાં નહી જવાની સૂચના આપવામાં આવી છે.

લાકરોડના નદીના કોતરોમાં વનરક્ષકની નજરે દિપડો પડતા દિપડાએ કોઇ પક્ષી કે જનાવરનું મારણ કર્યું છે કે નહી તેની સમગ્ર વિસ્તારોમાં તપાસ કરાવવામાં આવશે તેમ આરએફઓ ભરતભાઇએ જણાવ્યું છે. મહુડીનો બીટ જમાદાર કલ્પેશ ચૌધરી સવારે લાકરોડાના નદીના કોતરોમાં તપાસ કરતો હતો તે દરમિયાન નળામાં દિપડાને જોયો હતો. માત્ર ૧૩ ફુટના અંતરે વનસંરક્ષક અને દિપડાની આંખો એક થતાં દિપડો ભાગી ગયો હતો.

Previous articleછત્રાલની કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Next articleમંદિરોને નિશાન બનાવતી રાજસ્થાની ટોળકી ઝબ્બે, તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા