આજરોજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું જુનાગઢ લોકસભા વિસ્તારના કોડીનાર ખાતે યોજાયેલ જનસભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તા ભાઇ-બહેનોએ પુષ્પવર્ષા કરી અમિત શાહનું સ્વાગત અને અભિવાદન કર્યુ હતુ. ‘‘ભારત માતા કી જય’’ અને ‘‘વંદે માતરમના નાદથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બન્યુ હતુ. અમિત શાહનું અભિવાદન કરવા માટે નાગરિકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. આ વિજય સંકલ્પ સભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યુ હતુ કે, દેશભરમાં ભ્રમણ કરતો-કરતો આજે હું સોમનાથની પવિત્ર ધરતી પર આવ્યો છું. યુગ યુગાંતરથી સોમનાથ જ્યોર્તિલિંગ મહાદેવના આશીર્વાદ આ વિસ્તારમાં અવિરતપણે વરસતા રહ્યા છે. મારી આસ્થાનું કેન્દ્રબિંદુ હંમેશા સોમનાથ જ્યોર્તિલિંગ મહાદેવ રહ્યું છે. મારા જેવા સોમનાથ મહાદેવના અનેક ભક્તોના જીવનમાં પ્રભુ સોમનાથે પ્રકાશ રેલાવ્યો છે અને એટલે જ હું ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં વંદન કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. શાહે જણાવ્યુ હતુ કે, સમગ્ર એશિયામાં એકમાત્ર એશિયાઇ સિંહોનું રહેઠાણ સાસણ ગીર છે, તે આપણું ગૌરવ છે. અહીં સાવજ પણ મળે ને સાવજ જેવા માણસો પણ મળે. આવા ખરા સાવજોના ક્ષેત્રમાં આજે મને પ્રચંડ ઉર્જાની અનૂભુતિ થઇ રહી છે. જ્યારે જ્યારે આપણે આકાશમાં સોમનાથ જ્યોર્તિલિંગની ધ્વજા ફરકતી જોઈએ ત્યારે-ત્યારે એક જ વિચાર આવે કે, જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો સોમનાથ મંદિર આજે પાકિસ્તાનમાં હોત. સરદાર સાહેબના સાતત્યપૂર્ણ પ્રયાસોના કારણે જુનાગઢ ભારતનો અભિન્ન હિસ્સો છે.
ભારતના આઝાદ થયા બાદ જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરના ક્ષેત્રમાં પ્રશ્નો ઊભા થયા હતા. હૈદ્રાબાદ અને જૂનાગઢની સમસ્યાઓ સરદાર પટેલે સંભાળી હતી અને કાશ્મીરની સમસ્યા કોંગ્રેસના જવાહરલાલ નહેરુએ સંભાળી હતી. હૈદરાબાદ અને જૂનાગઢ સરદાર પટેલના મક્કમ મનોબળ અને અવિરત પ્રયાસોના કારણે ભારતમાં વીલીન થઇ ગયા જ્યારે કાશ્મીરનો પ્રશ્ન આજે પણ દેશ સમક્ષ યથાવત છે. આનાથી સ્પષ્ટ છે, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરૂની વિચારસરણી અને કાર્યપધ્ધતિમાં કેટલો ફરક હતો. કોઈપણ સરકારની સૌથી મોટી જવાબદારી દેશને સુરક્ષિત રાખવાની હોય છે. પુલવામામાં આતંકવાદીઓના શરમજનક કૃત્યથી દેશના ૪૦ જવાનો શહીદ થયા બાદ નરેન્દ્ર મોદીએ રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવી ત્યારે ભારતીય એરફોર્સના લડાકુ વિમાનોએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓના કુરચે કુરચા ઉડાવવાનું કાર્ય કર્યું છે. એરસ્ટ્રાઈક બાદ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ હતો. ભારતના વીર જવાનોની શહાદતનો જડબાતોડ જવાબ આપવા બદલ દેશભરમાંથી ભારતીય સૈન્ય પર અભિનંદનની વર્ષા થઇ રહી હતી. જ્યારે બીજી તરફ પાકીસ્તાન છાતી પીટીને રડી રહ્યું હતું ત્યારે કોંગ્રેસમાં જાણે પોતાનો જણ ગુમાવ્યો હોય એમ માતમ છવાઈ ગયો હતો. પાકિસ્તાન જેવો માહોલ કોંગ્રેસમાં પણ જોવા મળ્યો હતો. કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાન અને આતંકવાદીઓને છાવરતાં નિવેદનો આપી રહ્યા છે. રાહુલ ગાંધી તમે આતંકવાદીઓ સાથે ઇલું ઇલું કરો ત્યારે ભાજપાની નીતિ સ્પષ્ટ છે કે, પાકિસ્તાન તરફથી ગોળી આવશે તો ભારત તરફથી તોપનો ગોળો જશે, નરેન્દ્ર મોદી સિવાય આ દેશને કોઈ સુરક્ષા આપી શકે તેમ નથી. શાહે જાહેર મંચ પરથી રાહુલ ગાંધીને વેધક પ્રશ્ન પુછતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસના સાથી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે દેશમાં બે પ્રધાનમંત્રી હોવા જોઈએ. શું રાહુલ ગાંધી તમે ઓમર અબ્દુલ્લાના આ નિવેદન સાથે સહમત છો? ભાજપાના એક-એક કાર્યકર્તામાં જીવ છે ત્યાં સુધી કાશ્મીરને ભારતથી કોઈ અલગ નહીં કરી શકે કોંગ્રેસ જીત માટે અને વોટબેંકની રાજનીતિ માટે દેશની એકતા અખંડિતતા સાથે ચેડા કરતા ખચકાતી નથી. કોંગ્રેસ જો ચૂંટણી જીતે તો ઇ.વી.એમ. સારા અને હારે તો ઇ.વી.એમ. ખરાબ. આ વખતે તો નિર્ણય પહેલાં જ કોંગ્રેસ ઈવીએમ-ઈવીએમ કરીને બૂમો પાડી રહી છે જેથી સ્પષ્ટ છે કે, કોંગ્રેસ હાર સ્વીકારી ચૂકી છે. આઝમખાને જયાપ્રદા પર જે હલકી કક્ષાની ટિપ્પણી કરી છે તે આ દેશની માતૃશક્તિ અને મહિલા શક્તિનું ઘોર અપમાન છે. આ અપમાન ફક્ત જયાપ્રદાનું નહીં પરંતુ દેશની તમામ મહિલાઓનું છે. આ પ્રકારની ટિપ્પણી આઝમખાનની હલકી માનસિકતા પ્રદર્શિત કરે છે. સમાજવાદી પાર્ટી – બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસને પુછવા માંગુ છું કે શું તમે આઝમખાનથી સહમત છો? ચૂંટણી જીતવા માટે આવી હલકી-અભદ્ર ભાષાનો પ્રયોગ શોભનીય નથી. આઝમખાન અને ગઠબંધને દેશની કરોડો મહિલાઓની માફી માગવી જોઇએ. શાહે જણાવ્યુ હતુ કે, દેશભરમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ભ્રમણ કરતા-કરતા આજે હું જુનાગઢ જીલ્લામાં છું. બંગાળ હોય… કર્ણાટક હોય… મહારાષ્ટ્ર હોય… કેરળ હોય… ઓરિસ્સા હોય… દિલ્હી હોય… પૂર્વોત્તરના રાજ્યો હોય… ઉત્તરપ્રદેશ હોય… બિહાર હોય… કે દેશનું કોઈપણ રાજ્ય હોય, આજે સમગ્ર ભારતભરમાં એક જ વાત ગુંજી રહી છે કે, દેશના એકમાત્ર સુકાની… એટલે… મોદી… મોદી…ને…મોદી… સમગ્ર દેશની જનતાએ નિર્ણય કરી લીધો છે, ચૂંટણીના પરિણામો સુનિશ્ચિત થઇ ચૂક્યા છે, દેશની જનતા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરી એકવાર પ્રધાનમંત્રી બનાવવા માટે તત્પર છે. સમગ્ર દેશમાં ચૂંટણી પ્રચાર અર્થે મારા પરિભ્રમણ દરમ્યાન જે લોકજુવાળ અને સ્વંભૂ પ્રતિસાદ મળી રહયો છે. આ દેશવ્યાપી પ્રતિસાદ ભાજપાની લોકકલ્યાણકારી અને જનહિતકારી વિચારધારા અને પ્રજાલક્ષી સરકારના નિર્માણ માટેનો વિચાર દ્રઢ બનાવે છે. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં દરિયાકાંઠાના વિસ્તારના વિકાસને અવગણવામાં આવતો હતો. નરેન્દ્ર મોદીની સરકાર દરિયાકાંઠાના વિસ્તારનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. ગત ઓગસ્ટ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવીને જૂનાગઢના તમામ પશુપાલકો માટે આવકનું એક નવું સાધન ઉભું કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નવા કેમ્પસની શરૂઆત કરવામાં આવી છે નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશના લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’નું નિર્માણ કરીને નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આગામી સમયમાં વિશ્વભરના પ્રવાસીઓ માટે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે. સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની જીવનગાથા નિહાળવા લોકો પધારવાના છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની પ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતમાં દોડશે, દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી પણ ગુજરાતને મળી છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતને ૧૨૦૦ કરોડ રૂપિયા જેવી માતબર રકમની ફાળવણી કરી રાજકોટમાં એઇમ્સ આપી છે. સૌરાષ્ટ્રના દર્દીઓને હવે ઉચ્ચ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી જવું નહીં પડે. વિશ્વકક્ષાની અદ્યતન સવલતો સાથે સજ્જ એઇમ્સ સૌરાષ્ટ્રના દર્દીઓ માટે વરદાનરૂપ બનશે. આ ઉપરાંત આગામી સમયમાં અમદાવાદ મેટ્રો અને સુરત મેટ્રોથી નગરજનોનું આવાગમન ઝડપી અને સરળ બનશે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ ગુજરાતને અનેકવિધ યોજનાઓનો લાભ આપ્યો છે.