પ્રજ્ઞાલોકની જ્ઞાન ગંગોત્રી

1173

મહેસાણા જિલ્લાનાં વિસનગરની આ વાત છે. બ્રાહ્મણ દંપતિ રાજેન્દ્રભાઈ અને રંજનબહેનને ત્યાં વર્ષ ૧૯૮૭ માં ૧૪ મી ઓક્ટોબરના રોજ તદ્દન અસામાન્ય દેખાતા દૃષ્ટિહીન બાળકનો જન્મ થાય છે. માતા રંજનબહેનને બાળકના જન્મબાદ પણ જાણ કરવામાં આવી નોહતી કે જન્મ પામનાર પોતાનું બાળક સંપૂર્ણ દૃષ્ટિહીન છે. રંજનબહેનના માતા-પિતા જેન્મેલું બાળક સંપૂર્ણ જોઈ શકતું નથી તેવા સમાચાર આપી, પોતાની વ્હાલસોય દિકરીને દુઃખી કરવા માગતા ન હતા. પરંતુ તેઓ કોઈ પણ રીતે જન્મ પામેલ આ અસામાન્ય દૃષ્ટિહીન બાળકની સરવાર હાથધરી બાળક સામાન્ય બાળકોની જેમ બધુ જ જોઈ શકે તેવા ઉપચાર કરવા ઇચ્છતાં હતા.

રાજેન્દ્રભાઈને અમદાવાદથી તાબડતોબ પૂના (મહારાષ્ટ્ર) તેડાવવા કેણ મોકલવામાં આવે છે. પૂના રંજનબહેનનું પિયર હોવાથી તેઓ રીવાજ મુજબ પ્રથમ બાળકની પ્રસુતિ કરાવવા માટે  પોતાના પિયર પૂના આવ્યા હતા. રાજેન્દ્રભાઈ પૂના આવી પહોંચતા જ ડૉક્ટરી જરૂરી તમામ તપાસ પૂર્ણ કરવામાં આવે છે. ફરજ પરના તબીબીમિત્રોએ તપાસ પુરી કરી કહ્યુ; ‘આ બાળકની આંખોની તમામ નસો સુકાઈ ગઈ છે તેથી આ બાળક હવે કદી પણ દુનિયા નિહાળી શકશે  નહિ. પિતા માટે આ વાત ખૂબ જ આઘાતજનક હતી. પૂના શહેરના આખોના નિષ્ણાત તબીબીમિત્રોએ પોતાના તમામ પ્રયત્નો બાદ હાર સ્વીકારી લીધી હોય તેમ હાથ ઊંચા કરી કહી દીધું  કે ‘હવે આ બાળક પોતાની આખો વડે  દુનિયા જોઈ શકવા સમર્થ નથી.’ ભારે નિરાશા ને હતાશા સાથે રાજેન્દ્રભાઈ પોતાના વતન વિસનગર પરત ફરે છે. દવાનું વેચાણ, એસ. ટી. ડી.- પી. સી. ઓ. જેવા ધંધા રોજગાર દ્વારા પોતાનું ગાડું ગબડાવતા રાજેન્દ્રભાઈનો તે વેળાએ જેમ-તેમ સમય પસાર થઈ રહ્યો હતો.

રંજનબહેનની કૂખે જન્મ પામેલ આ અંધ બાળકનું નામ જોશી પરિવાર દ્વારા કૃણાલ રાખવામાં આવે છે. બાળક કૃણાલનો તેના માતા-પિતા ભારે લાડકોડથી ઉછેર કરી રહ્યા હતાં. પરંતુ આ અસામાન્ય બાળકનો વિકાસ ખૂબ જ ગોકળગતિએ થઈ રહ્યો હતો. પાંચ વર્ષની ઉંમરે પહોંચવા છતાં પણ આ અંધ બાળક પોતાની જાતે એક ડગલું ય ચાલી શકતો નોહતો. ‘લાખો નિરાશામાં એક આશા છુપાયેલી હોય છે.’ એક દિવસ પ્રજ્ઞાચક્ષુઓને શિક્ષણ આપતા વિશિષ્ટ શિક્ષક શ્રી કાદરભાઈ મંસુરી રાજેન્દ્રભાઈના ઘરે આવી પહોંચે છે. કાદરભાઈ દર વર્ષે રજાના દિવસો આવતા જ ખામીવાળા  ક્ષતીગ્રત બાળકોની શોધ કરવા નીકળી પડતા હતા. ખામીવાળા બાળકો જે મળી આવતા તેવા તમામ બાળકોની જાતે નોંધ કરી  સંકલિત શિક્ષણની યોજનામાં સમાવી લેવા આ યોજનાનો ચીલો ચાતરનાર સંસ્થા  રાષ્ટ્રીય સંઘ વિસનગરમાં માહીતી પહોંચતી કરતા હતા. આવા જ સુંદર હેતુસર આજે કાદરભાઈ રાજેન્દ્રભાઈના ઘરે આવી પહોચ્યા હતા. કાદર મંસુરી એક એવા શિક્ષક હતા, જેની જોડ મળવી દુષ્કર છે. મળી આવેલા બાળકોને તેવો માત્ર તાલિમ આપવાનું જ કામ કરતા ન હતા તેઓ તો આવા બાળકોમાં આત્મશ્રદ્ધા અને આત્મશક્તિ જગાડવાનું કામ કરી રહ્યા હતા. સેવાનું અદ્ભૂત કામ કરતા આ શિક્ષકના પરિચયમાં આ પડકારરૂપ બાળક કૃણાલ આવતા જ તેનામાં જાણે એકાએક ચેતન આવવા લાગ્યું. આ બાળક પોતાની જાતે ચલવા પ્રયત્ન કરવા લાગે છે. થોડા જ સમયમાં કાદરભાઈની મહેનત રંગ લાવે છે. હવે કૃણાલ જાતે ચાલવાની સાથોસાથ ભણવામાં પણ રસ લેવા લાગે છે.

નેવુનાં દાયકામાં ગુજરાતમાં વિકલાંગ બાળકોના શિક્ષણને વેગ આપવા રાજ્યના જી. સી. ઈ. આર. ટી. ના આઈ. ઈ. ડી. સી. સેલ દ્વારા ખૂબ જ સરસ કામ થઈ રહ્યું હતું. રાજ્યભરના વંચિત વિકલાંગ બાળકોને શિક્ષણની સેવાઓ નીચે આવરી લેવા સ્વેચ્છીક સંસ્થાઓને આ કાર્યક્રમનું સંચાલન અને મોનીટરિંગનું કામ સોંપવામાં આવ્યું હતુ. ભારત સરકારે તૈયાર કરેલી સંકલિત શિક્ષણ યોજનામાં વધુમાં વધુ વિકલાંગ બાળકોને આવરી શકાય તેવા હેતુથી કેટલાક નિયમોમાં બાંધછોડ કરી બીન તાલિમી શિક્ષકોને પણ સમાવી લેવામાં આવ્યા હતા. આ માટે તેને ત્રણ વર્ષમાં આવી તાલીમ પુર્ણ કરવા છુટછાટ આપવામાં આવી હતી. સરકારની આ ઉદારતા વિકલાંગ બાળકોના શૈક્ષણિક વિકાસ અને તેના સમાવેશીકરણ પ્રત્યેની કટીબધ્ધતા સૂચવે છે. વર્ષ ૧૯૯૦ નો દાયકો વિકલાંગોનાં શિક્ષણ, તાલીમ, રોજગાર અને તેના પુનઃ સ્થાપન માટેનો સુવર્ણકાળ લેખી શકાય. વર્ષ ૧૯૯૨ માં ચીનનાં બેઇજીંગ ખાતે વિકલાંગોનાં અસરકારક શિક્ષણ અને પુનઃ સ્થાપનનાં કાર્યક્રમોને વેગ આપવા વિશ્વભરના દેશોનું એક સંમેલન મળ્યું હતું. જેમાં કોઈ પણ વ્યક્તિને પોતાની શારીરિક  કે માનસિક મર્યાદાઓના કારણે વિશાળ માનવ સમુદાય વચ્ચે અસહાય કે દિનતાની લાગણી અનુભવવી ન પડે. તેમજ પોતાના માનવિય અધિકારોથી વંચિત રહી  પીડિત બની સહન કરવું ન પડે તે જોવાની જવાબદારી સમગ્ર માનવ સમુદાયની છે. ઉપરોક્ત ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા આવા લોકોને શિક્ષણ, રોજગાર અને જરૂરી તાલિમનો પ્રબંધ કરવા ખાસ પ્રસ્તાવો પસાર કરવામાં આવ્યા હતા. રજુ થયેલ ઘોષણાપત્રમાં ભારત સરકારે સહી કરી સંમતી આપી હોવાથી ૯૦ ના દાયકામાં વિકલાંગોના પુનઃ સ્થાપનના ક્ષેત્રે આમૂલ પરિવર્તનનું બીજ રોપાયું હતું. વર્ષ ૨૦૦૬ માં આ અંગે વિશ્વના દેશો દ્વારા વધુ એક સંધી કરવામાં આવતા, ભારત સરકારે ૧લી ઓક્ટોબર,૨૦૦૭ નાં રોજ વિક્લાંગ વ્યક્તિઓના અસરકારક પુનવર્સનના કાર્યક્રમને વેગ મળે તેવા પગલાં ભરવા વિકલાંગ ધારો ૧૯૯૫ ના સ્થાને નવો કાનુન અમલમાં મુકવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જેના ભાગરૂપે વર્ષ ૨૦૧૦ માં બીલ તૈયાર કરવા એક મુસદ્દા સમીતીની રચના કરવામાં આવી હતી. આ સમીતીએ દેશભરના નિષ્ણાંત લોકો સાથે પરામર્શ કરી એક બીલ ઘડી કાઢ્યું હતું. આમ આ દીશામાં સરકારે પોતાના સરાહનિય પ્રયત્નો આરંભ્યા હતા.

આવી જ કામગીરીના ભાગરૂપે શ્રી કાદરભાઈ મંસુરી વર્ષોથી રાષ્ટ્રીય સંઘ-વિસનગરમાં પ્રવાસી શિક્ષક તરીકે પોતાની ફરજ અદા કરી રહ્યા હતા તેથી તેઓ સંવેદનશીલ શિક્ષકની ભૂમિકા ભજવી દૃષ્ટિહીન બાળકોને અસરકારક તાલીમ આપી આવા બાળકોનું ઘડતર કરતા હતા. શ્રી કાદરભાઈ બાળક કૃણાલને ઓરિયનટેશન-મોબીલીટી અને બ્રેલલિપિનું શિક્ષણ નિયમિત આપતા હતા. પરિણામે દિવસે-દિવસે આ બાળક શિક્ષણમાં બ્રેલલિપિની મદદથી પ્રગતિ કરવા લાગે છે. જોતજોતામાં બાળક ધોરણ-૫ માં પહોંચી જાય છે. આ દરમિયાન રાજેન્દ્રભાઈ ધંધા-રોજગારઅર્થે અમદાવાદ સ્થળાંતર થાય છે. આશ્રમ રોડ, નવરંગપુરા અંધજનોને શિક્ષણ આપતી ખાસ શાળામાં શ્રી રાજેન્દ્રભાઈ પોતાના દૃષ્ટિહીન પુત્ર કૃણાલને અભ્યાસ માટે દાખલ કરે છે. આ બાળક બાર ધોરણ પુર્ણ કરી સોલા વિદ્યાપીઠ-અમદાવાદ પુરાણો અને ધર્મશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ સાથે અનૂસ્નાતકની ઉપાધી મેળવે છે. આ ઉપરાંત આગળ જતા સોમનાથ યુનિવર્સિટીમાં ભાગવત વિષય પર પોતાની ખંત અને ધીરજ વડે સંસ્ક?ત વિષયમાં પી. એચ. ડી. પુર્ણ કરનાર દેશનો પ્રથમ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બને છે. શ્રાવ્ય પુસ્તકોની સહાઈ મેળવી ડૉટરેટ જેવી મહા ઉપાધિ મેળવનાર યુવા ગૌરવ, નેશનલ એવોર્ડ જેવા બહુમાનથી નવાજવામાં આવેલ છે. વ્યાસપીઠ પર કલાકો સુધી તેઓ ધર્મગ્રંથો અને શાસ્ત્રો પર સંવાદ તેમજ પ્રવચન આપે છે. આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી સૌ કોઈને જીતી લેવાની તેમની પાસે વાક્ચતુરાય છે. તેમનું જ્ઞાન સમુદ્રની ઊંડાઈ અને ધ્રુવના તારા જેવું અવિચળ છે.

ઘણા જ્ઞાનીલોકોને મારે ૫૨ વર્ષની ઉંમરમાં મળવાનું થયું છે. શ્રી કૃણાલભાઈ જોશીના વ્યક્તિત્વથી હું અંજાયો છું. ભાવનગરમાં ૧૧ જાન્યુઆરી, ૨૦૧૬ ના રોજ પોથીયાત્રા પૂર્ણ થયા પછી અંધ ઉદ્યોગ શાળાના પટ્ટાંગણમાં વ્યાસપીઠ પર બિરાજમાન થઈ શ્રીમદ્‌ ભાગવત કથાનો પ્રારંભ થયો તે સમયને જો હું યાદ કરુ તો, મારે કહેવું જોઈએ કે; ‘મારો વાહલોજી આવ્યાની વધામણીજીરે સખી, આજની ઘડી તે રળીયામણી’ કાવ્યપંક્તિ ભલે ખૂબ જ જાણિતી છે તેની ખરી અનુભૂતિ તો તે સમયે અંધશાળાના મેદાનમાં જે હાજર હતા તેને જ થઈ હશે. શબ્દનો અવિચળ વહેતો પ્રવાહ અમને સૌને આજે જાણે પખાળી રહ્યો હતો, શુદ્ધ કરી રહ્યો હતો. મનની સફાઈ કરી અંતરને ઊજાળી રહ્યો હતો. સેવાના સંગ્રામને સતેજ કરવા શબ્દની સરવાણી ગૂંજી રહી હતી. આખેઆખું દેવલોક ખડુ થઈ નરસૈયાની કડતાલે નાચી રહ્યું હતું. શાસ્ત્રોનું જ્ઞાન શિયાળાની સોનેરી સંધ્યાને શોભાવી રહ્યું હતું. નીમુબેન બાંભણિયા (મેયરશ્રી, ભાવનગર મહાનગર પાલિકા), શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, (ચેરમેનશ્રી પવિત્ર યાત્રાધામ-ગુજરાત) આ પ્રસંગે ખાસ સાક્ષી બન્યા હતા. ડગલે ને પગલે આચરેલા અસત્યોને ઉખાડી ફેંકવાનો મારા જીવનો આ પવિત્ર દિવસ બની ગયો હતો. જીવનના અસત્યો તેમજ અહંકાર ઓગળતા જ હું, તે દિવસે જ્ઞાનગંગાના શબ્દોબીંદુમાંથી જાગતા ખળભળાટનાં નાદે મને જીવનનાં રહસ્યો ખોલી અંતરમાં વ્યાપેલા ઉજાસ વડે શબ્દસંગતના સથવારે સત્યના માર્ગે દોરી રહ્યા હતા. ‘મેવા મળે કે ના મળે…’ ભજનના શબ્દોએ મારા અંતરસાગરમાં વમળો જગાડી તોફાન મચાવ્યું હતું. અંતરમાં જાગેલું તોફાન મારી સમજરૂપી નાવને હચમચાવી રહ્યું હતું પણ વ્યાસપીઠ પરથી વહેતો શબ્દપ્રવાહ મને નિર્મળ કરી જ્ઞાનના પ્રકાશથી પુલકિત કરી રહ્યો હતો. જેના વડે સંસારના ઘોર અંધકાર વચ્ચે પણ મારી સમજરૂપી નાવ નિયતગતિમાં પોતાનું અંતર કાપી રહી છે. મારા પર શ્રી કૃણાલભાઈ જોશીના જ્ઞાન, સંવાદની ઊંડી છાપ પડી છે. તેમની યાદશક્તિની જોડ મળવી કઠિન છે. કોઈ પણ શાસ્ત્ર પર તેઓ કલાકો સુધી અસ્ખલિત સંવાદ સાધી શ્રોતાઓને જકડી રાખવાની અનેરી શક્તિ ધરાવે છે. જેનું બાળપણ પહેલી નજરે આપણને અંધકારમય  દેખાતું હતું, તેના જીવનમાં જાણે ખૂદ ઇશ્વરે ચમત્કાર કર્યો હતો. જ્યારે  શાસ્ત્રીજી વ્યાસપીઠ પર બીરાજમાન થાય છે ત્યારે અર્જુનને ઉદ્દેશી કહેલા શબ્દો કર્ણ સાથે અથડાતાં હોય તેવો ભાસ થવા લાગે છે. ગીતાગાયક ભગવાન કૃષ્ણના કહેવા મુજબ પ્રધાન વક્તાઓમાં ભગવાન ક?ષ્ણ પોતે જ હોય છે  તે વાતની ખાત્રી કરવી હોય તો, શાસ્ત્રીજીને એકવખત જરૂર સાંભળજો. તમે જરૂર પ્રભાવિત થશો. ‘ઊંડા અંધારે થી પ્રભુ પરમ તેજે તું લઈ જાપ’ પદ તમે સાંભળ્યુ જ હશે. પરમ તેજથી નાહતા કૃણાલ જોશીને જાણવા અને માણવા જીવનમાં એક વખત તો અવશ્ય સમય કાઢવા જેવો ખરો. જેમ પવનની શિતળતાની તસ્વીર ખેંચી શકતી નથી તેમ શાસ્ત્રીજીના જ્ઞાનનું શબ્દચિત્ર આલેખવું અશક્ય અને અસંભવ છે. બાગની મહેકને માણવા બાગમાં વિહાર કરવો પડે છે. એમ પ્રજ્ઞાલોકની આ જ્ઞાનગંગોત્રીમાં ડૂબકી લગાવા તેની જ્ઞાન ગોષ્ઠીમાં જોડાવવું પડશે. દેશભરમાં તેમની ૨૯૫થી વધુ કથાઓનું આયોજન થયું છે. પડોશી દેશ શ્રીલંકાનાં નુવારેલિયા (અશોક વાટિકા) ખાતે પણ તેમની પ્રવચનમાળાનું આયોજન થઈ ચૂક્યું છે. આપણા ભાવનગરમાં પણ તેમની બે કથાઓ અને બે પ્રવચનમાળા યોજાય છે. આજ સુધીમાં તેમને અનેક એવોર્ડ અને સન્માનપત્રોથી નવાજવામાં આવી ચુક્યા છે.

Previous articleરાજુલા ખાતે રામનવમી અને સ્વાામીનારાયણ જન્મ જયંતિ નિમિત્તે પ્રથમ શોભાયાત્રા નિકળી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે