છેલ્લા સાત વર્ષથી ગ્રીનસીટી સંસ્થા શહેરમાં અનેક જગ્યાઓએ વૃક્ષારોપણ કરી રહ્યું છે. અને તેનો કાળજીપૂર્વક ઉછેર કરી રહ્યું છે. દેવેનભાઇ શેઠના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ અત્યાર સુધીમાં ૭૦૦૦ જેટલા વૃક્ષો શહેરમાં મોટા થઇ રહ્યા છે. રવિવારે સવારે અલંગના અગ્રણી ઉદ્યોગપતિ નવયુગ શીપ બ્રેકીંગના બી.બી.તાયલના સૌજન્યથી રવેચીધામથી ઘોઘા તરફ જતા રીંગ રોડ ઉપર ૩૬ વૃક્ષોનું વૃક્ષારોપણ તાયલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠએ જણાવ્યું હતું કે આ રોડના ડીવાઇડરમાં કુલ ૨૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન છે. હાલમાં ૩૬ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. બાકીના વૃક્ષો ચોમાસાની શરૂઆતમાં જૂન મહિનામાં નાખવામાં આવશે. અહીં નાખવામાં આવેલ વૃક્ષોની વિશેષતા એ છે કે તે ભાવનગર શહેરમાં ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. આ વૃક્ષોમાં જ્યારે ફુલ આવે છે ત્યારે આખુ વૃક્ષ જાંબલી તથા ગુલાબી રંગોના ફુલોથી ખીલી ઉઠે છે. એટલે આ વૃક્ષો જ્યારે મોટા થશે ત્યારે આ રોડની બદલાઇ જશે. આ વૃક્ષનો છોડ ખૂબ જ મોંઘો આશરે એક છોડ રૂા.૪૦૦ નો આવે છે. આમાં જાંબલી ફુલોના વૃક્ષોનું નામ જેફરેન્ડા તથા ગુલાબી ફુલોવાળા વૃક્ષનું નામ ટબેબુલીયા છે.
આજના આ વૃક્ષારોપણમાં ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠ, અચ્યુતભાઇ મહેતા, ઝેક ઝાલા, કમલેશભાઇ શેઠ, પરેશ શાહ, જયંતભાઇ મહેતા, અલકાબેન મહેતા, કેવલ પંડ્યા તથા મુકેશ પરીખ હાજર રહ્યા ંહતા.