સિવીલ હોસ્પિટલના નવા બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા ઇલેક્ટ્રીકલ રૂમમાં પાણી ભરાતા શૌર્ટસર્કિટની ગંભીર સ્થિતિ ઉભી થવાની શક્યતા રહેલી છે. આથી હોસ્પિટલના એક ભાગના ૪૦૦ દર્દીઓને જુના બિલ્ડીંગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. સિવીલ હોસ્પિટલના એક વિભાગને તારીખ ૧૬મી, મંગળવારના રોજ વીજ સપ્લાય બંધ રાખવામાં આવશે.
ગાંધીનગર મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજને પગલે આઠ મજલાનું નવું હોસ્પિટલનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું. ૬૦૦ બેડના નવા બિલ્ડીંગના નિર્માણથી જ પાણી પડવાની સમસ્યા સતાવી રહી છે. જેને પરિણામે બિલ્ડીંગના નિર્માણને લઇને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના આઠ માળના બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરના ઇલેક્ટ્રીક રૂમમાં પાણી ભરાયું છે. આથી પાણી ક્યાંથી આવે છે.
પાણી ભરાવાથી શોર્ટ સર્કિટ ન થાય તે માટે તાબતોડ કાર્યવાહી હાથ ધરી છે. લિકેજની તપાસ માટે તારીખ ૧૬મી, મંગળવારના રોજ હોસ્પિટલના નવા બિલ્ડીંગના એક ભાગનો વીજ સપ્લાય બંધ રાખવાનો છે.ઉપરાંત એ ભાગના ગ્રાઉન્ડ ફ્લોરથી આઠમા માળના તમામ વોર્ડને જુના બિલ્ડીંગમા શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.સિવીલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા ઇલેક્ટ્રીક રૂમમાં એકાદ ફુટ જેટલું પાણી ભરાયું છે. ઉપરાંત પાણી ક્યાંથી લિકેજ થાય તેની તપાસ પીઆઇયુ દ્વારા આવતીકાલે હાથ ધરવામાં આવશે. સિવીલ હોસ્પિટલના નવા બિલ્ડીંગના એક વીંગને ખાલી કરાતા કિડની ડાયાલીસીસ, આઇસીસીયુ, પિડીયાસ્ટ્રીકના વોર્ડમાંથી ૪૦૦ દર્દીઓને જુના બિલ્ડીંગમાં ખસેડવામાં આવ્યા છે.