ગાંધીનગર ખાતે યોજાયેલ મતદાન જાગૃત્તિ માટેના રન ફોર મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ૫ હજારથી વધુ લોકો સહભાગી બન્યા

666

લોકશાહીના આધારસ્તંભ સમાન મતદારો વધુમાં વધુમાં મતદાન કરે તેવા આશયથી આજરોજ ગાંધીનગર ખાતે રન ફોર મતદાર જાગૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રન ફોર મતદાર જાગૃત્તિ કાર્યક્રમમાં ૫ હજારથી વઘુ લોકો સહભાગી બનીને લોકશાહીના મહાપર્વમાં જોડાવવાનો ઉમદા સંદેશ આપ્યો હતો.

ગાંધીનગર શહેરના મહાત્મા મંદિર ખાતેથી અલાહૂદાયક વાતાવરણની સવારના ૬.૦૦ કલાકે મોટી સંખ્યામાં લોકશાહી ના મહાપર્વમાં મતદાન કરીને જોડાવવાના સંદેશ પ્રસરાવવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. સવારના ૬.૩૦ કલાકના સમયે આ દોડમાં સહભાગી બનવા આવેલા સર્વ લોકોને મતદાન કરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  એસ. કે. લાંગા અને અન્ય અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપીને દોડને પ્રસ્થાન કરાવી હતી.

દોડમાં ગાંધીનગર શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિધાર્થીઓ, આર્મી, એરફોસ, સી.આર.પી.એફ.ના જવાનો, ગાંધીનગર જિલ્લા પોલીસના જવાનો, કરાઇ પોલીસ તાલીમાર્થીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.

આ રેલી ગાંધીનગરના મહાત્મા મંદિર થી પ્રસ્થાન કરીને ગ-૪, ઘ-૪ સર્કલ થઇ ટાઉન હોલથી વિધાનસભા બાજુ થઇને બી.એસ.એન.એલ. ઓફિસથી વળાંક લઇને બેંક ઓફ બરોડાવાળા માર્ગ પર થઇને લગભગ પાંચથી વધુ કિલોમીટરનું અંતર કાપીને  મહાત્મા મંદિર પરત આવી હતી.

મતદાન જાગૃત્તિ રેલીમાં જોડાયેલા યુવાનો અને સર્વે લોકોને ઉત્સાહ પુરો પાડવા માટે કોમનવેલ્થ ગેમ્સ, બોન્ઝા મેડલ વિજેતા લજ્જા ગોસ્વામી, રેડિયો સીટીનો રેડિયો બ્રાન્ડ એમ્બેસેડર, ગુજરાત આર.જે. હર્ષિલ, ગાંધીનગરના રમતવીર પારૂલ પરમાર પણ ખાસ સહભાગી થયા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણના ઇન્સ્પેકટર ભરત ગઢવીએ કર્યું હતું. આ મતદાન જાગૃત્તિની દોડમાં ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગા, બ્રિગેડીયર વિનોદ બાજીયા, પોલીસ ચૂંટણી નિરીક્ષક અને આઇ.પી.એસ  બાલા નાગાદેવી, એક્સપેન્ડિચર નિરીક્ષક અને આઇ.આર.એસ  રાજકુમાર અને  પ્રશાંત શુકલ, નિવૃત્ત બ્રિગેડીયર  કે.કે.ત્રિપાઠી, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર. આર. રાવલ, જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા, નિવાસી અધિક કલેકટર  એચ. એમ. જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  વિપુલ ઠક્કર, જિલ્લા શિક્ષણાધિકારી  ર્ડા. ભરત વઢેર, કલેકટર કચેરી પી.આર.ઓ  આઇ.જી.ઝાલા, ડી.પી.ઇ.ઓ. અર્ચના પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleઅતિથિ ગેસ્ટહાઉસમાં ક્રિકેટસટ્ટો રમાડતાં ત્રણ ઝડપાયા
Next articleજેટ એરવેઝ સેવા કામચલાઉ બંધ કરી શકે : હાલત કફોડી