કેન્દ્રીય ગૃહમંત્રી અને લખનૌ સીટ પરથી ભાજપના ઉમેદવાર રાજનાથસિંહ ઉમેદવારીપત્ર આજે દાખલ કર્યું હતું. ઉમેદવારીપત્ર દાખલ કરતા પહેલા રાજનાથસિંહે લખનૌમાં ભાજપ કાર્યાલયથી કલેક્ટર ઓફિસ સુધી રોડ શો યોજ્યો હતો. આ ગાળા દરમિયાન વાજપેયી અને રાજનાથસિંહના નારા લગાવવામાં આવ્યા હતા. રાજનાથસિંહના રોડ શો દરમિયાન નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા અને કેશવપ્રસાદ મોર્ય પણ નજરે પડ્યા હતા.
ઉપરાંત કાલરાજ મિશ્રા અને જેડીયુના નેતા કેસી ત્યાગી પણ ઉપસ્થિત રહ્યા હતા. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને પ્રશંસકો ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ ચૂંટણી પંચ દ્વારા ૭૨ કલાક માટે પ્રતિબંધ મુક્યો હોવાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આમા સામેલ થઇ શક્યા ન હતા. રોડ શો પહેલા રાજનાથસિંહ હનુમાન સેતુ મંદિરમાં પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા. અહીં તેઓએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળીને વાતચીત કરી હતી. ઉમેદવારીપત્ર ભરતા પહેલા રાજનાથસિંહે કહ્યું હતું કે, તેઓ ૧૦ રાજ્યોમાં જઇ ચુક્યા છે. જે રીતે ઉત્તરપ્રદેશ અને લખનૌમાં ઉત્સાહ છે તેવો જ ઉત્સાહ દેશભરમાં જોવા મળી રહ્યો છે. તમિળનાડુ અને કેરળમાં પણ નરેન્દ્ર મોદી લહેર જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ કાલરાજ મિશ્રાએ કહ્યું હતું કે, રાજનાથસિંહની સામે ચૂંટણી લડવા માટે વિપક્ષને ઉમેદવાર મળી રહ્યા નથી. લાંબા સમયથી રાજનાથસિંહ સાથે અમે કામ કરી ચુક્યા છે. રાજનાથસિંહ અને મોદીની જોડીએ દુશ્મનોની હાલત કફોડી કરી દીધી છે. સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. રાજનાથસિંહની સામે હવે ગઠબંધને પૂનમસિંહાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. ગઠબંધન હેઠળ આ સીટ સપાના ખાતામાં પહોંચી હોવાથી સપાએ હવે સમાજવાદી પાર્ટીની ટિકિટ ઉપર પૂનમ સિંહાને ટિકિટ આપી છે. લખનૌમાં પાંચમાં તબક્કામાં એટલે કે છઠ્ઠી મેના દિવસે મતદાન થશે. પાંચમાં તબક્કાના નામાંકન માટે થોડાક દિવસ બાકી રહ્યા છે પરંતુ કોંગ્રેસ અને ગઠબંધનમાં ભારે દુવિધાભરી સ્થિતિ દેખાઈ રહી છે. ૧૯૮૪ સુધી લખનૌની સીટ કોંગ્રેસના મજબૂત ગઢ તરીકે હતી.
પાર્ટી પોતાના સૌથી મોટા દાવ કેન્દ્રીયમંત્રી જિતેનપ્રસાદના રુપમાં લગાવવા ઇચ્છુક હતી. પૂર્વ કેન્દ્રીયમંત્રી જિતેન પ્રસાદને લઇને કોંગ્રેસ માની રહી છે કે, યુવા બ્રાહ્મણ સમુદાયના લોકો સ્વચ્છ છાપના લીધે રાજનાથની સામે તેમને મત આપી શકે છે. ગઠબંધનમાં પણ જિતેનને ટેકો મળશે તો રાજનાથ માટે મુશ્કેલી સર્જાશે પરંતુ હવે જિતેન પ્રસાદે આના માટે ઇન્કાર કરી દીધો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, રાજનાથસિંહની સ્થિતિ આ બેઠક ઉપર મજબૂત દેખાઈ રહી છે. સ્પર્ધા ખુબ જ નજીકની રહેવાની વકી છે.