રાજ્યમાં વાવાઝોડા સાથે કમૌસમી વરસાદ : ૭ના મોત

1013

પશ્ચિમી રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલા મોર્નિંગ સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિના પરિણામ સ્વરુપે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે અચાનક હવામાનમાં જબરદસ્ત પલ્ટો આવ્યો હતો અને વાતાવરણ એકદમ વાદળછાયુ અને ઠંડકવાળુ બનવાની સાથે સાથે જોરદાર રીતે પ્રચંડ પવન સાથેનું વાવાઝોડું ફુંકાયું હતું. અમદાવાદ શહેર, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સહિતના કેટલાક વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો અને તો, સૌરાષ્ટ્રમાં મોરબી, વાંકાનેર, ધ્રોલ, ટંકારા સહિતના પંથકોમાં તો કરા સાથેનો જોરદાર વરસાદ તૂટી પડયો હતો.  બનાસકાંઠાના કાંકરેજ, દિયોદર અને વાવ તાલુકામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ તથા કરા પડ્‌યા હતા. જને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં એકબાજુ, વરસાદ અને પ્રચંડ વાવાઝોડાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી તો, બીજીબાજુ, ખેડૂતોમાં કેરીના પાક સહિતના પાકને નુકસાનની દહેશતને લઇ ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી. આજે અમદાવાદ ઉપરાંત, વિરમગામ, માંડલ, દેત્રોજ સહિતના પંથકોમાં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. તો, અમદાવાદ શહેર સહિત રાજયના મોટાભાગના જિલ્લા અને તાલુકાઓમાં પ્રચંડ વાવાઝોડાના કારણે વાતાવરણ ધૂળિયુ અને રજકણોયુકત બની ગયુ હતુ. જેના કારણે અમદાવાદ સહિત રાજયભરમાં પ્રદૂષણની માત્રા ગંભીર હદે વધી ગઇ હતી. વિરમગામના વાંસવા ગામે વીજવાયર પડતાં એક મહિલાનું કરૂણ મોત નીપજયું હતું. તો, પડઘરીમાં પણ વૃક્ષ ધરાશયી થતાં એક વૃધ્ધા મોતને ભેટી હતી. આ જ પ્રકારે વાંકાનેરના તીથવા ગામે વીજળી પડતાં એક યુવકનું કરૂણ મોત નીપજયું હતું. તો, વિજાપુરના માલોસણા ગામે પણ વીજળી પડવાના બનાવમાં એક વ્યકિતના મોતના સમાચાર છે. મહેસાણામાં પણ એક વ્યકિતના મોતની ઘટના સામે આવી હતી, આમ કમોસમી વરસાદના માહોલ વચ્ચે રાજયભરમાં કુલ સાત વ્યકિતઓના મોત નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં આજે બપોરે અચાનક હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે જોરદાર પ્રચંડ વાવાઝોડા સાથે પવન ફુંકાવાની શરૂઆત થઇ હતી. જોતજોતામાં તો પ્રચંડ વાવાઝોડા સાથે શહેરના સેટેલાઇટ, વેજલપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, જોધપુર, મણિનગર, પ્રહલાદનગર, એસ.જી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. શહેરભરમાં પડેલા વરસાદને લઇ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.  સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પવન સાથે વરસાદી ઝાંપટા અને કરા પડ્‌યાં હતા. બનાસકાંઠાના કાંકરેજ, દિયોદર અને વાવ તાલુકામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ તથા કરા પડ્‌યા હતા. માત્ર એટલું જ નહીં, મોટા મોટા કરા પડતા છતના પતરા પણ તૂટી ગયા હતા. જ્યારે પાકિસ્તાનની સરહદે આવેલા સુઈ ગામથી લઈ પાલનપુર અને ભાભરમાં પણ વરસાદ નોંધાયો હતો. આ સિવાય પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી પરંતુ બીજીબાજુ, કેરી સહિતના પાકના નુકસાનની દહેશતને લઇ ખેડૂતો ચિંતામાં સરી પડયા હતા. આજે વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અમીછાંટણા થયા હતા. બપોરે જામનગરના હડિયાણા, ધ્રોલ, જોડિયા, મોરબી, પડધરી, વાંકાનેર સહિતના વિસ્તારોમાં તોફાની પવન, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ પડ્‌યો હતો.

વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તેમજ ખેતરોમાં કરાની સફેદ ચાદર પથરાઇ ગઇ હતી. પડધરીના ખાખડાબેલા ગામમાં તોફાની પવનને કારણે વૃક્ષ ધરાશાયી થતા મંજુબેન રંગપરા નામની વૃદ્ધા નીચે દબાતા તેનું મોત નીપજ્યું હતું. કમોસમી વરસાદથી ઉનાળું પાક તલ, બાજરીને નુકસાન થયું છે તેમજ જૂનાગઢ અને ગીર પંથકમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. પડધરીમાં તોફાની પવન સાથે વરસાદ પડતા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાનું કાર્યાલય ધ્વસ્ત થઇ ગયું હતું.

કાર્યાલય પર લગાવેલા બોર્ડ અને મંડપ ધરાશાયી થયા હતા. પડધરી પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા આંધી જેવો માહોલ સર્જાયો હતો. તોફાની પવન સાથે વરસાદ આવતા પડધરીના ખાખડાબેલા ગામે મકાનની દીવાલો ધરાશાયી છે. ખાખડાબેલા ગામમાં ભારે નુકસાન થયાનું જાણવા મળ્યું છે. બરફના કરાથી પાકને મોટાપાયે નુકસાન થયું છે. આ ઉપરાંત પડધરીથી મિતાણા રોડ પર વાવાઝોડુ ફૂંકાતા લીમડાનું ઝાડ ધરાશાયી થયું છે. ઝાડ પડતા પડધરી-મિતાણા રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. એક કલાક સુધી વાહનની અવરજવપર બંધ રહી હતી.

રાજકોટમાં ધીમી ધારે વરસાદથી મહિલા કોલેજ અંડરબ્રિજ પર ૧૦થી વધુ વાહનો સ્લીપ થયા હતા. જેમાં એક મહિલાને માથાના ભાગે ઇજા પહોંચી હતી અને એક વૃદ્ધ ઘવાયા હતા. જે વિસ્તારોમાં ભારે વરસાદ પડયો ત્યાં લોકો પણ વરસાદ મોજ માણવા બહાર નીકળી ગયા હતા. આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ૧૫થી ૧૭મી સુધી  ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત, વડોદરા, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે.

Previous articleમોદી આજથી બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે
Next articleઢસા, ગઢડા, ધોળા સહિત ગામોમાં મનહરભાઇ પટેલે સભાઓ ગજવી