રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં ચૂંટણી શાખાની બેઠક યોજાઇ હતી અને તેમાં ચૂંટણીના હિસાબો રજૂ કરનારા ઉમેદવારોના હિસાબોની ચકાસણી કરવામાં આવી હતી અને હિસાબો રજૂ ન કરનારા ૪૦ ટકા જેટલા ઉમેદવારોને ૧૮ જાન્યુઆરી સુધીમાં હિસાબો રજૂ કરવા જાણ કરવા નિર્ણય કરાયો હતો. ૧૮ જાન્યુઆરી સુધીમાં જે ઉમેદવારો ખર્ચના હિસાબો રજૂ નહીં કરે તેને નોટિસ આપવામાં આવશે અને બાદમાં ઇસીઆઇને રિપોર્ટ કરાશે.
રાજકોટ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી મિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, ૬૮-રાજકોટના ઉમેદવારો અરવિંદભાઇ રૈયાણી, મિતુલ દોંગા, ૬૯-રાજકોટના ઉમેદવારો વિજયભાઇ રૂપાણી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ૭૦-રાજકોટના ગોવિંદભાઇ પટેલ સહિત લગભગ ૪૦ ટકા ઉમેદવારોના હિસાબો રજૂ કરવાના બાકી છે. તેમની પાસે હિસાબો રજુ કરવા ૧૮ જાન્યુઆરી સુધીનો સમય છે ત્યારબાદ જે ઉમેદવારોએ હિસાબો રજૂ નહીં કર્યા હોય તેમને આખરી નોટિસ અપાશે.