ભારતની સરકારી બેંકોના નાણાં લઇને ફરાર થઇ ગયેલા ભાગેડૂ વિજય માલ્યાએ જેટ એરવેઝને કોઇ મદદ નહીં મળતા દુઃખ વ્યક્ત કર્યું છે. માલ્યાએ સવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હું ફરીથી ઓફર કરું છું કે હું નાણાં પરત કરી દઇશ. પરંતુ મીડિયા જણાવી રહી છે કે મને લંડનમાંથી ભારત પ્રત્યાર્પણ કરવા અંગે ભય સેવાઇ રહ્યો છે. હું કોઇપણ રીતે ચૂકવણી માટે તૈયાર છું, પછી હું લંડનમાં રહું કે ભારતીય જેલમાં. વિજય માલ્યાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, મેં કિંગફિશરમાં ખૂબ જ રોકાણ કર્યું હતું. તેનાથી તે ભારતની સૌથી વધારે એવોર્ડ મેળવનારી એરલાઇન્સ બની ગઇ હતી. આ માટે કિંગફિશરે સરકારી બેંકો પાસેથી લોન લીધી હતી. મેં ૧૦૦ ટકા રકમની ચૂકવણી કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ મને ગુનેગાર જાહેર કરી દેવામાં આવ્યો છે. માલ્યાએ વધુ એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, જ્યારે પણ કહું છું કે હું બેંકોને ૧૦૦ ટકા નાણાં ચૂકવી દઇશ ત્યારે ભારતીય મીડિયા કહે છે કે લંડનથી ભારતમાં પ્રત્યર્પણનો ભય છે હું કોઇપણ રીતે ચૂકવણી કરવા તૈયાર છું પછી હું લંડનમાં રહું કે ભારતીય જેલમાં. માલ્યાએ ઉમેર્યું હતું કે, ભલે જેટ અને કિંગફિશર એકબીજાના હરિફ હતા, પરંતુ એક મોટી ખાનગી એરલાઇનને નિષ્ફળતાની અણી પર જોઇને દુઃખ થાય છે. જ્યારે સરકારે એર ઇન્ડિયાને સંકટમાંથી ઉગારવા માટે ૩૫ હજાર કરોડ રૂપિયાના જાહેર નાણાં ખર્ચી નાખ્યા હતા.