સુપ્રીમ કોર્ટના આદેશ પર ચૂંટણી પંચની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની સ્ક્રિનિંગ કરવામાં આવી ચુકી છે. આ સ્ક્રિનિંગમાં ચૂંટણી પંચના સાત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ક્રિનિંગ બાદ ચૂંટણી પંચની ટીમે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટની સમક્ષ રજૂ કરી દીધો છે જેના આધાર પર ફિલ્મની રજૂઆતના મામલે નિર્ણય કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે, વિવેક ઓબેરોય સ્ટારર આ ફિલ્મને જોઇને નિર્ણય કરી શકે છે. ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે કે કેમ તેને લઇને નિર્ણય લેવામાં આવશે. એમ પણ કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ નિહાળ્યા બાદ ૨૨મી એપ્રિલ સુધી પોતાની દલીલો સીલબંધ કવરમાં રજૂ કરવા કહેવામાં આવ્યું હતું. ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના ફિલ્મ નિર્માતા તરફથી ઉપસ્થિત રહેલા વકીલ મુકુલ રોહતાગીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, ચૂંટણી પંચે ફિલ્મ નિહાળ્યા વગર પ્રતિબંધ મુક્યો હતો. ચૂંટણી પંચે વડાપ્રધાનના જીવન ઉપર આધારિત આ ફિલ્મને લઇને ચૂંટણી આચારસંહિતા લાગૂ હોવાની રજૂઆત કરી હતી. વિરોધ પક્ષ તરફથી ફરિયાદ મળ્યા બાદ આની રજૂઆત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું તું કે, મોદી ઉપર આધારિત બાયોપિક ફિલ્મ રજૂ કરવામાં આવશે તો લાભ ઉઠાવવામાં આવશે. ભાજપે ચૂંટણી લાભ ઉઠાવવાના હેતુસર આ મુદ્દો ઉઠાવ્યો છે. ફિલ્મના નિર્માતાઓનું કહેવું છે કે, લોકશાહીમાં અભિવ્યક્તિ અને સ્વતંત્રતાને મહત્વ આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં પોતાની ફિલ્મના સંબંધમાં રજૂઆતમાં કેવામાં આવ્યું છે કે, આ પ્રેરણાદાયી પટકથા છે. દરેક વ્યક્તિએ આ ફિલ્મ નિહાળવી જોઇએ. ભારતના તમામ લોકોને ન્યાય માટે અપીલનો અધિકાર છે.