ભાજપના સાંસદોનું બાંકડા કૌભાંડ- ૧૭૫૦ની કિંમતના બાંકડાની ૩૫૦૦ના ભાવથી ખરીદી

992

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સૂત્ર આપ્યું હતું કે હું ખાતો નથી અને કોઈને ખાવા દેતો નથી પરંતુ આ બાબત પણ માત્ર જુમલો રહી ગઈ છે કારણકે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભ્રષ્ટાચાર માં ગળાડૂબ છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ગુજરાતના લોકોએ તમામ ૨૬ બેઠકો ભાજપને સોંપી હતી, પરંતુ આ સાંસદો દ્વારા લોકોનું ભલું થાય તેવું કોઈ કામ કરાયું નથી. એટલું જ નહીં કેટલાય સાંસદોએ શૌચાલય બનાવવામાં તથા બાંકડાઓ મૂકવામાં અને રોડ રસ્તાના કામો આપવામાં કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા છે.

હાલમાં સોશિયલ મીડિયા પર લોકો આ બાબતની જાણકારી આપતા મેસેજ એકબીજાને આપી રહ્યા છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં સાંસદ નારણભાઇ કાછડીયા છે. હાલમાં તેઓની સામે કોંગ્રેસમાંથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. ધાનાણીનો આક્ષેપ છે કે નારણભાઈએ કરોડો રૂપિયાના બાંકડાની ખરીદી કરી છે.

લોકોને બેસવા માટેના બાંકડાઓની ખરીદી પણ ગોંડલની એક જ ખાનગી એજન્સી પાસેથી કરવામાં આવે છે. ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી પણ આ એજન્સી પાસેથી રૂપિયા ૧૭૫૦ના ભાવથી બાંકડાની ખરીદી કરવામાં આવે છે, જ્યારે સાંસદ દ્વારા આજ ગુણવત્તાનો બાંકડો ૩૫૦૦ રૂપિયાના ભાવથી ખરીદવામાં આવે છે. આમ એક બાંકડા દીઠ ૧૭૫૦ રૂપિયાનું કમિશન લઈ લેવામાં આવે છે.

આ જ રીતે સુરતના ભાજપના સાંસદ દર્શનાબેન જરદોશે પણ બાંકડાની ખરીદીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યાની વિગતો આરટીઆઇમાં બહાર આવી છે. સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ કરેલ આરટીઆઈના જવાબમાં અનેક ચોંકાવનાર વિગતો બહાર આવી છે. આરટીઆઈએ આપેલા જવાબ મુજબ વર્ષ ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન સુરતના સંસદ સભ્ય દર્શના જરદોશે પોતાના કાર્યકાળમાં સુરત મત વિસ્તારમાં વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં આશરે ૪૨૦૦ જેટલા બેસવાના બાંકડા (બેન્ચ) અંદાજે ૧.૭૦ કરોડના ખર્ચે મુકાવ્યા હતા.

એમપીએલએ ડીએસના માર્ગદર્શન મુજબ કોઈ પણ મુવેબલ ( સ્થાન ફેર થઇ શકે તેવી ) વસ્તુઓ માટે એમપીએલએ ડીએસ ફંડનો ઉપયોગ કરી શકાય નહીં. પણ સ્થાન ફેર થઇ શકે તેમાંથી અમુક જ સામાન સામગ્રીમાં એમપીએલએ ડીએસ ફંડનો ઉપયોગ કરી શકાય છે,જેનો ઉલ્લેખ એમપીએલએ ડીએસ ના માર્ગદર્શનમાં અલગથી અનેક્ષર -૩ માં કરવામાં આવ્યો છે. જેમાં બાંકડા એમપીએલએ ડીએસ માર્ગદર્શન માં નહીં હોવા છતાં ૪૨૦૦થી વધારે બાંકડા એકજ વર્ષમાં મુકીને વિવાદ સર્જયો હતો. આર એન્ડ બી (જી.ફ.ઇ.ઈ કોલેજ પેટા વિભાગ) દ્વારા આરટીઆઈના જવાબમાં આપેલ લિસ્ટ મુજબ ૭૭%થી વધારે બાંકડાઓ ગાયબ થતાં ગત અઠવાડિયે એક સાથે ૯ જેટલા પોલીસ સ્ટેશને અને સુરત પોલીસ કમીશનરને નાગરિકોએ ફરિયાદ કરી હતી.

સાંસદનો ભલામણ પત્ર બહાર આવ્યો છે. જેમાં માન્યતા મળેલા ૫ પૈકી એક એજન્સીને કામ આપવા માટે ખાસ ભલામણ કરેલ છે. આ ભલામણ પત્રથી પુરવાર થાય છે કે બાંકડા કૌભાંડમાં સાંસદ સીધી રીતે સામેલ છે. તે પ્રકારની ચર્ચા શરૂ થઈ છે.

Previous articleપીએમ નરેન્દ્ર મોદી ફિલ્મને ચૂંટણી પંચે અંતે જોઈ લીધી
Next articleજાસપુર કેનાલમાં ડુબી જતાં નિરમા કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનું મોત