નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં એક યુવક-યુવતીના કેનાલમાં ડુબી જવાથી મોત થયા છે. યુવતી અને ત્રણ યુવકો મળી ચાર લોકો કલોલ જાસપુર કેનાલ પાસે ગયા હતા ત્યારે યુવતીને પગ લપસતાં તે કેનાલમાં પડી હતી જેને બચાવવા માટે પડેલાં બે યુવકોમાં એક ડુબી ગયો હતો અને એકને બહાર ઉભેલા મિત્રએ બચાવી લીધો હતો. યુવતીની લાશ રામનગર કેનાલમાંથી તેમજ યુવકની લાશ આજરોજ સબાસપુર કેનાલ માંથી મળી આવી હતી. નિરમા યુનિવર્સિટીમાં બીટેકમાં અભ્યાસ કરતાં શ્રુતી રાહુલભાઈ જૈન (૨૧ વર્ષ), સુમિત નરેન્દ્રભાઈ રાઠી (૨૦ વર્ષ), સાહીલ તેમજ જતીન નામના વિદ્યાર્થીઓ કેનાલ પર બેસવા માટે ગયા હતા. આ સમયે અચાનક શ્રુતિનો પગ લપસતા તે કેનાલમાં પડી ગઇ હતી. જેને પગલે સુમિત અને સાહીલ તેને બચાવવા માટે પાણીમાં પડ્યા હતા. ત્રણે લોકો ડૂબી રહ્યાં હોવાને પગલે કેનાલની બહાર ઉભેલા જતીને નજીકમાં પડેલ દોરડુ પાણીમાં નાખ્યુ હતું. ઘટના અંગે જાણ થતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી ત્યારે સોમવારે બપોરે ૩ઃ૩૦ કલાકે રામનગર કેનાલમાંથી શ્રુતિની લાશ મળી આવી હતી. ત્યારબાદ મંગળવારે બપોરે ૧૨ઃ૩૦ કલાકે સબાસપુર કેનાલમાંથી સુમિતની લાશ મળી આવી હતી.