અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા ૨ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. પલટાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાંખી છે. અમદાવાદ નજીકના સાણંદ અને બાવળા તાલુકાના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. સાણંદમાં ખેડૂતોના ખેતરમાં રાખેલા ડાંગર અને ઘાસચારો પલળી ગયા છે તો બાવળાના બલદાણા ગામના ખેડૂતોએ એરંડાના છોડ તોફાની પવનમાં ખરી ગયા છે. જેને પગલે ખેડૂતો નુકસાનની ભીતી વ્યક્ત કરી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ નજીક સાણંદ બાવળા રોડ પર ખેતરોમાં રાખેલા ડાંગર અને ઘાસચારાના પુળા વરસાદી પાણીમાં પલળી ગયા છે. જેને કારણે ખેડૂતો નુકસાનની ભીતી વ્યક્ત કરી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ ડાંગરનો મણે રુપિયા ૩૧૦નો જ ભાવ મળે છે જે ૪૦૦ રુપિયા હોવો જોઈએ.
પુરતા ભાવ નહિ મળવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં તો છે તેની સાથે હવે કુદરતી પ્રકોપને કારણે પણ ખેડૂતોની ૮૦ ટકા નુકસાનીની ભીતી સેવી રહ્યાં છે. સાથે જ હવે જે ડાંગર પલળી ગઈ છે તેને ઓછા ભાવે વેચવી પડશે તેવું ખેડૂતોને લાગી રહ્યું છે. તો આવીજ કંઈક હાલત બાવળા તાલુકાના ખેડૂતોની પણ છે. બાવળાના બલદાણા ગામના ખેડૂતોએ વાતચીતમાં જણાવ્યું હતું કે ૩૫૦ હેક્ટરમાં ગામમાં એરંડા વાવ્યા હતા પરંતુ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે એરંડા ખરી ગયા છે. તો સાથે સાથે જુવાર, તલ અને રચકાના પાકને પણ નુકસાની થાય તેવું ખેડૂતો માની રહ્યાં છે.