આજે ચૈત્ર સુદ-૧૩ એ વિશ્વભરમાં જીવમાત્રના કલ્યાણ માટે ઉપદેશ આપનારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકનો દિવસ હોઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભગવાન મહાવીર જંયતિની ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે વિવિધ જૈન સંઘો જિનાલયોમાં પ્રભુની સુંદર આંગી કરવામાં આવી હતી તો, વિવિધ જૈન સંઘોમાં અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(જીતો) દ્વારા આજે શહેરના ઉસ્માનપુરા શાંતિનગર જૈન દેરાસર ખાતેથી આજે ભવ્ય રથયાત્રા નીકાળવામાં આવી હતી.
, જે અંકુર જૈન દેરાસર પહોંચી હતી. ભગવાન મહાવીરની આ રથયાત્રા દરમ્યાન ઇન્દ્રધજા, ગજરાજ, શરણાઇ મંડળીઓ, ઘોડા પર સવાર ધજા સાથેના પહેરેગીરો, ધજા-પતાકા, કચ્છી ઘોડી, પ્રભુજીના રથ, સુવર્ણ શાહી વડે લખાયેલા કલ્પસૂત્રની ડોલી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. જૈન સમુદાયના હજારો શ્રધ્ધાળુઓ આ ભવ્ય રથયાત્રામાં જોડાયા હતા ત્યારે ભકિત અને ઉલ્લાસનો માહોલ છવાયો હતો. પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી અને રથયાત્રાના ભવ્ય પ્રસંગને લઇ જીતોના ચેરમેન જીગીશભાઇ દોશી અને કો-ચેરમેન ભદ્રેશભાઇ શાહે જણાવ્યું હતું કે, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(જીતો) દ્વારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિતે છેલ્લા આઠ વર્ષથી શહેરમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરાય છે. આજે સવારે ૯ કલાકે શાંતિનગર જૈન સંઘ-ઉસ્માનપુરાથી આ રથયાત્રાનો પ્રારંભ થયો હતો. જે નારણપુરા ક્રોસિંગ-લાડલી-સંઘવી હાઇસ્કૂલ-પ્રિન્સ કોર્નર-મિરામ્બિકા જૈન દેરાસર-અંકુર ચાર રસ્તા થઇ અંકુર દેરાસરના મેદાનમાં સમાપન થઇ હતી. આ રથયાત્રામાં ઇન્દ્રધજા, ગજરાજ, શરણાઇ મંડળીઓ, ઘોડા પર સવાર ધજા સાથેના પહેરેગીરો, ધજા-પતાકા, કચ્છી ઘોડી, પ્રભુજીના રથ, સુવર્ણ શાહી વડે લખાયેલા કલ્પસૂત્રની ડોલી આકર્ષણના કેન્દ્ર બની રહ્યા હતા. આ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ જૈન તથા જૈનેતરોમાં પ્રભુ મહાવીરના અહિંસા, એનેકાન્તવાદ, અપરિગ્રહ, વિશ્વમૈત્રી, જીવદયા સહિતના સંદેશના પ્રચાર-પ્રસારનો છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી શહેરના વિવિધ વિસ્તારના જૈન સંઘો જેવા કે, નારણપુરા, સોલા રોડ, સાબરમતી, કૃષ્ણનગર, નરોડા વિસ્તારના શ્રેષ્ઠીઓ પોતાના વિસ્તારમાં પ્રભુજીની રથયાત્રાની માંગણી કરતા હતા, જેને લઇ આજે ઉસ્માનપુરા વિસ્તારના શાંતિનગર જૈન સંઘથી પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક રથયાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં જૈન સમુદાયના હજારો શ્રદ્ધાળુ ભકતો જોડાયા હતા. દરમ્યાન આજે શહેરના વિવિધ વિસ્તારોમાં જૈન દેરાસરોમાં ભગવાન મહાવીરની વિશેષ અને આકર્ષક આંગી કરવામાં આવી હતી અને ભકિત અનુષ્ઠાનનું આયોજન કરાયું હતું, જેને લઇ ભકિતનો માહોલ પણ છવાયો હતો.