આજરોજ પાટણ લોકસભામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષ સ્થાને મહિલા અને યુવા સંમેલન યોજાયું હતુ. સ્મૃતિ ઈરાનીએ સંમેલનને સંબોધતા જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે મહિલાઓના માન-સન્માન-ગરિમા અને કલ્યાણ માટે અનેકવિધ પગલાંઓ લીધા છે. મહિલાઓની ગરિમા જળવાઇ રહે તે માટે ઘર-ઘર સુધી શૌચાલયો ઉપલબ્ધ થાય તે બાબતને પ્રાધાન્ય આપ્યુ છે. આ ઉપરાંત ગરીબ મહિલાઓ માટે દરેક ઘરમાં ગેસ કનેક્શન આપી રસોડાને ધુમાડામુક્ત કરી મહિલાઓના સ્વાસ્થ્યની દરકાર લીધી છે. ઇરાનીએ જણાવ્યુ હતુ કે, સ્ત્રી સશક્તિકરણની દિશામાં આગળ વધતાં રાષ્ટ્રની પ્રગતિ અને સમૃધ્ધિમાં સમાનરૂપે લાભાર્થી અને ભાગીદાર બનાવવાની કટિબધ્ધતા તથા આગામી ૫ વર્ષમાં ‘‘વિમેન વર્ક ફોર્સ’’ વધારવા એક વિસ્તૃત રોડમેપ તૈયાર કરાયો છે. મહિલાઓ માટે રોજગાર સર્જન હેતુ વસ્ત્રો, ચર્મ, કાગળ, લાકડું, રબર, ફર્નિચર વગેરે જેવા ઉદ્યોગ એકમો કે જેમાં મહિલાઓની વર્કફોર્સમાં ઓછામાં ઓછી ૫૦ ટકા ભાગીદારી હોય તેમાં સરકારી ખરીદી ૧૦ ટકા સુનિશ્ચિત કરવા માટે તથા ત્રણ તલાક વિરૂધ્ધ કાયદો બનાવીને મુસ્લીમ મહિલાઓ માટે ન્યાય સુનિશ્ચિત કરવાની દિશામાં પહેલ પર સંકલ્પપત્રમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુ છે.
ઇરાનીએ જણાવ્યુ હતુ કે, દેશનું યુવાધન આ દેશનું ભવિષ્ય છે. જ્યારે વાત રાષ્ટ્રહિતની હોય, દેશદાઝની હોય, ત્યારે યુવાનોએ આ બાબતોને પ્રાધાન્ય આપી દેશહિતમાં મોદીના હાથ મજબૂત કરવા પ્રતિબધ્ધતા દર્શાવવી જોઇએ. ભાજપાની કેન્દ્ર સરકારે યુવાનોને સ્વનિર્ભર બનાવવા અનેક સ્વરોજગારીની તકોનું નિર્માણ કરવા હેતુ અસંખ્ય પગલાંઓ લીધા છે. જેમાં મુદ્રા યોજના અંતર્ગત વગર જામીને ૫૦ લાખ સુધીની લોન અપાય છે, જેમાં મહિલા લાભાર્થીના કિસ્સામાં ૫૦ ટકા અને પુરુષ લાભાર્થીઓના કિસ્સામાં ૨૫ ટકા રકમની ગેરંટર સરકાર બને છે. દેશના યુવાનો વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મીલાવી શકે તે માટે વિદેશ અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓને લોનની સુવિધા આપવામાં આવી છે