દેશને લૂંટનાર કોઇને છોડવામાં આવશે નહીં : મોદી

684

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી મિશન ગુજરાત સાથે જોરદાર પ્રચારની શરૂઆત કરી હતી. ગુજરાતના બે દિવસના ચૂંટણી પ્રવાસે પહોંચ્યા બાદ આજે પ્રથમ દિવસે મોદીએ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં ચૂંટણી સભા કરી હતી. તમામ જગ્યાઓએ મોદીએ આક્રમક અંદાજમાં ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. સાથે સાથે પોતાની સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ એકબાજુ હિંમતનગર ખાતેના સંબોધનમાં દાવા સાથે કહ્યું હતું કે, પાંચ વર્ષમાં ભ્રષ્ટ લોકોને જેલના દરવાજા સુધી લઇ ગયા છે. હવે બીજા પાંચ વર્ષ મળશે તો ભ્રષ્ટાચારી લોકોને જેલ ભેગા કરવામાં આવશે. જે લોકોએ પણ દેશને લુટ્યો છે તેમને છોડવામાં આવશે નહીં. લૂંટનાર લોકોને તમામ રકમ દેશને પરત આપવી પડશે. ચૂંટણીમાં દેશના લોકોને નક્કી કરવાનું છે કે, ટુકડે ટુકડે ગેંગ શાસન કરશે કે પછી મજબૂત ભારતનું નિર્માણ કરનાર લોકો શાસન કરશે. એકભારત શ્રેષ્ઠ ભારતના વિચાર સાથે સમર્પિત લોકો દેશનું સુકાન સંભાળશે કે પછી અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર લોકો સત્તા સંભાળશે. ગુજરાતી વડાપ્રધાન માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ગુજરાત કઈ રીતે સહન કરી શકે છે. ગુજરાતના આણંદમાં પોતાની સભામાં મોદીએ કહ્યું હતું કે, કાશ્મીરમાં કોંગ્રેસના એક સાથી પક્ષનું કહેવું છે કે જો પાકિસ્તાનને કોઇ હેરાન કરશે તો તે ભારતને વધારે પરેશાન કરશે. કોંગ્રેસ પાર્ટી આ પ્રકારના લોકોની સાથે છે. આ પ્રકારના લોકોેને મત આપીને કોઇપણ ગુજરાતી વ્યક્તિ ભુલ કરી શકે છે કેમ તેવો પ્રશ્ન કર્યો હતો. આણંદમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, તેમના ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો દેશદ્રોહના કાયદાને દૂર કરશે. આનાથી જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજો, આતંકવાદીઓ અને નક્સલવાદ મજબૂત થશે. ટુકડે ટુકડે ગેંગને મજબૂતી બમળશે. ભાજપને રોકવા માટે આ પ્રકારના લોકો કોંગ્રેસ સાથે ગઠબંધન કરી રહ્યા છે. મોદીએ તે પહેલા સુરેન્દ્રનગરમાં પણ જુદા જુદા મુદ્દાઓને ઉઠાવ્યા હતા. સુરેન્દ્રનગરમાં બોલતા તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન વારંવાર પરમાણુ બોંબને લઇને ધમકી આપતું હતું પરંતુ તેઓએ પાકિસ્તાનને જે કંઇપણ કરવું હોય તે કરે તેમ કહ્યું હતું. સુરેન્દ્રનગરમાં બોલતા તેમણે કહ્યું હતું કે, છેલ્લી વખતે અમે તમામ ૨૬ સીટો મળી હતી. હવે મહત્તમ સંખ્યામાં વિપક્ષોના ડિપોઝિટ ડુલ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આજરોજ ગુજરાતના પનોતાપુત્ર અને દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની સાબરકાંઠા લોકસભામાં આવતા હિંમતનગર ખાતે જંગી જનસભાને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆતમાં કેમ છો ? પૂછતાં ઉપસ્થિત સૌને કહ્યું કે આજે તો હિંમતનગરવાસીઓએ વટ પાડી દીધો છે. તે સાથે જ સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયું હતું. પ્રધાનમંત્રીએ સભામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને જણાવ્યું હતું કે, આપ સૌ આટલી મોટી સંખ્યામાં ફરી એકવાર મને આશીર્વાદ આપવા માટે પધાર્યા છો હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં કમોસમી વરસાદ અને ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું.

આ પ્રાકૃતિક આપદાના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્‌યો છે તેમના પરિવાર માટે મારી અંતઃકરણપૂર્વકની સંવેદના છે. જે ખેડૂતોને નુકસાન થયું છે તેની સંપૂર્ણ કાળજી સરકાર લેશે, અધિકારીઓને કાર્યવાહી માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની અન્ય રાજ્યોની સરકારોને પણ આવા સંકટના સમયમાં પીડિતોના પડખે ઉભા રહેવા નિવેદન કર્યુ હતુ. રાજકીય પક્ષોને વિનંતી કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ દુઃખના સમયે રાજકીય કાવાદાવા કરવાનો નહીં પરંતુ સૌ સાથે મળીને પીડિતોની ચિંતા કરવાનો સમય છે, ચૂંટણી તો આવશે અને જશે આપણે તો હંમેશા પ્રજાની જ ચિંતા કરવાની છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ૨૩મી એપ્રિલે ગમે તેટલી ગરમી હોય પણ ગુજરાતીઓએ જંગી મતદાન કરીને ભલભલાની ગરમી કાઢી નાખવાની છે. વહેલી સવારથી જ મતદાન શરૂ થાય અને તડકો વધે તે પહેલાં મહત્તમ મતદાન કરવા સૌને અપીલ કરી હતી. ચૂંટણી લોકશાહીનું પર્વ છે. ૨૦૧૯ની ચૂંટણી ભારતના સન્માન અને સ્વાભિમાનની લડાઈ છે, ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટેની લડાઈ છે. આ ચૂંટણી કોણ જીતે અને કોણ હારે તેના માટે નથી તમારા સંતાનોનું ભવિષ્ય કેવું બને તેનો નિર્ણય આ ચૂંટણીમાં આપ સૌએ કરવાનો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં દેશના પ્રધાનમંત્રીઓને સાબરકાંઠા આવવાની ફુરસદ નહોતી, તમે મને દિલ્હી પ્રધાનમંત્રી બનાવીને મોકલ્યો અને ઇઝરાયલ જેવા દેશના પ્રધાનમંત્રીને હું સાબરકાંઠા લઈને આવ્યો. ઈઝરાયલની ટેકનોલોજીની મદદથી સાબરકાંઠામાં હોર્ટિકલ્ચર સેન્ટર બનાવવામાં આવ્યુ છે, જ્યાં વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેનાથી ઉત્તર ગુજરાતના મારા ખેડૂતોને ભવિષ્યમાં વૈજ્ઞાનિક ઢબે ખેતપેદાશો મોટા પ્રમાણમાં મેળવવામાં ખૂબ જ ફાયદો થવાનો છે.

પ્રધાનમંત્રીએ રમુજી સ્વરમાં જણાવ્યું હતું કે, તમને મારા સિવાય નિકટના ભવિષ્યમાં એવો કોઈપણ પ્રધાનમંત્રી દેખાય છે કે જે હિંમતનગરના, અરવલ્લીના, પંચમહાલના અને સાબરકાંઠાના રસ્તાઓ-ગલીઓ વિશે જાણતો હોય અને અહીંની સમસ્યાઓથી માહિતગાર હોય. જનસંઘ-ભાજપાનું અસ્તિત્વ જ્યારે દેશમાં નગણ્ય હતું ત્યારે હિંમતનગરની જનતાએ હિંમતનગર નગરપાલિકા જીતાડી હતી. બોટાદ અને હિંમતનગરે સમગ્ર ગુજરાતને રાજકીય દિશા બતાવવાનું કાર્ય કર્યું છે. આપ સૌની સગવડતા માટે સાબરકાંઠામાંથી અરવલ્લી નવો જિલ્લો બનાવ્યો, ગુજરાતના ગામડાઓમાંથી અંધારપટ દૂર કરી ૨૪ કલાક વીજળી આપી છે. ખેડૂતો માટે પાણી સુજલામ સુફલામ જેવી યોજનાઓ હેઠળ ખેડૂતો માટે વળ્યા છે. નેવાના પાણી મોભે ચડાવવાની તાકાત ગુજરાતમાં છે તેવું ગુજરાતી હોવાના ગર્વ સાથે પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ. ૨૦૦૪ થી ૨૦૧૪ દરમિયાન દિલ્હીમાં રિમોટ કન્ટ્રોલથી ચાલતી સરકાર હતી ત્યારે ગુજરાત જાણે હિન્દુસ્તાનનો ભાગ જ ન હોય તેવો વ્યવહાર કરી દસ વર્ષમાં ગુજરાતને સતત અન્યાય કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા કિન્નાખોરી રાખીને અમિત શાહ સહિત અનેક પોલીસ અધિકારીઓ પર ખોટા કેસ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા અને ગુજરાતની ભાજપા સરકાર તોડવા માટે આકાશ-પાતાળ એક કરી અનેક કાવાદાવા કરવામાં આવ્યા.  દસ વર્ષ સુધી ગુજરાતને ખેદાનમેદાન કરવા માટે જે કંઈ પણ થઈ શકે તે કોંગ્રેસે કર્યું. શું આવા લોકોને દેશમાં રાજ કરવાની તક આપવી જોઈએ? જે લોકો જામીન પર બહાર છે એ લોકોના મનમાં થઈ રહ્યું છે કે આ ગુજ્જુએ – આ ચ્હાવાળાએ અમારા ખાનદાનને જામીન લેવા પડે તેવી સ્થિતિ ઊભી કરી નાખી? તેઓએ જણાવ્યુ હતુ કે, પાંચ વર્ષમાં આ ભ્રષ્ટ પરિવારને જેલના દરવાજા સુધી લઈ ગયો છું અને હવે બીજા પાંચ વર્ષ માટે આશીર્વાદ આપો તો આ પરીવારને જેલના સળિયા પાછળ જવાના દિવસો પણ આવી શકે છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, જેટલાએ પણ દેશને લૂંટ્યો છે તે કોઇને બક્ષવામાં નહી આવે અને લુંટેલુ તમામ દેશને પાછું આપવું પડશે.

Previous articleમાઈક્રો સ્ટોરી શણગારની માઈક્રો રચનાઓ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે