ગાંધીનગર શહેરમાં ગેરકાયદે બાંધકામોની સંખ્યા દીનપ્રતિદીન વધી રહી છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ ગેરકાયદે બાંધકામોની વિગતો મેળવવા માટે હવે નવેસરથી સર્વે હાથ ધરાનાર છે અને ત્યારબાદ મોટા પ્લોટથી શરૃ કરીને નોટિસો ફટકારવામાં આવશે. નોંધવું રહેશે કે હાલ દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે પરંતુ તેમાં મોટા ગેરકાયદે બાંધકામો સંદર્ભે કોઈ પોલીસી નક્કી કરવામાં આવી નથી.
ગાંધીનગર શહેરની રચના થઈ ત્યારે શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ વિસ્તાર અલગ અલગ રાખવામાં આવ્યો હતો પરંતુ સમય જતાંની સાથે જ વિવિધ તંત્રોએ દાખવેલી ઉદાસીનતાના કારણે શહેરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટયો છે. રહેણાંક અને કોમર્શિયલ વિસ્તાર હવે કયાંય અલગ અલગ જોવા મળતાં નથી.
આ મામલે અનેક ફરિયાદો બાદ હાઈકોર્ટે આવા ગેરકાયદે બાંધકામો સંદર્ભે કાર્યવાહી કરવાની સત્તા ગાંધીનગર મહાનગરપાલિકાને સોંપી હતી અને ત્રણ વર્ષ અગાઉ થયેલા સર્વે મુજબ ગાંધીનગરની ૧ર૦૦ જેટલી મિલકતોમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામો સંદર્ભે ફરીથી સર્વે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આ બાંધકામોને હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. નોંધવું રહેશે કે હાલ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે પરંતુ તેમાં પાકા બાંધકામોને હટાવવા માટેનો કોઈ પ્લાન બનાવવામાં આવ્યો નથી.
હાલમાં પણ ઘણાં સ્થળોએ રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામો થઈ રહયા છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર તે બાબતે કોઈ ધ્યાન આપતું નથી. જેથી લારીગલ્લાના દબાણ હટાવાતાં હોવાથી શ્રમજીવીઓમાં રોષ પણ ફાટી નીકળ્યો છે કે મોટું દબાણ કરનાર વ્યક્તિઓ સામે પગલાં ભરાતાં નથી અને નાના શ્રમજીવીઓને હેરાન કરવામાં આવે છે ત્યારે હવે આગામી સમયમાં કોર્પોરેશન આ સંદર્ભે શું પગલાં ભરે છે તે જોવું રહયું.