ભાવનગરનાં વયોવૃદ્ધ મતદારોનો મતદાન માટે થનગનાટ

611

ઘરનો પ્રસંગ હોય, તો ઉત્સાહ કોને ન હોય ! આબાલ-વૃદ્ધ સૌ કોઇનામાં પરિવારના પ્રસંગને લઇને થનગનાટ તો રહેવાનો જ અને તેમાંય આ તો આખા દેશનો સૌથી મોટો તહેવાર, દેશ કા મહા તૌહાર. ભારતીય ચૂંટણી પંચે આ વખતની લોકસભા સામાન્ય ચૂંટણીની આ જ તો ટેગલાઇન રાખી છે ને.

જી હા, વાત થઇ રહી છે લોકશાહીના મહાપર્વ એવી લોકસભા સામાન્ય ચૂંટણીઓની આગામી લોકસભા સામાન્ય ચૂંટણીઓને લઇને દેશના યુવાનોમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો પછી વિશ્વની સૌથી મોટી લોકશાહીની તમામ ચૂંટણીઓના સાક્ષી બનનારા ભાવનગરના વયો-વૃદ્ધ મતદારોમાં કેમ પાછળ રહી જાય ! આવા શતાયું મતદારો સાથે કરીએ થોડી વાતચીત..

ભાવનગરની માસ્ટમિલ સોસાયટીમાં રહેતા ૧૨૦ વર્ષના બાલુબા વેરૂભા ગોહિલ આજેપણ કડેધડે છે. અને અચૂક મતદાન કરવા જાય છે. આ ઉંમરે બાલુબા ઘરમાં જાતે હાલીચાલી શકે છે. તેમજ તેમના કાન અને જીભ પણ સાબૂત છે. કેટલી દિવાળી જોઇ ? એવું પૂછતા બાલુબા જરા હળવાશથી કહે છે કે, ભઇ, એ તો હવે યાદ નથી કે કેટલી દિવાળી જોઇ અને સાથે ઉમેરે છે કે પણ હા, મતદાન દરેક ચૂંટણીમાં અચૂક કર્યું છે. આડોશ પડોશની મહિલાઓને તેમજ પ્રપૌત્ર-પ્રપૌત્રીઓને પણ મતદાન કરવાની પ્રેરણા આપી બાલુબા જેવાં વડીલો નવયુવાનોને દેશના મહાતહેવારમાં જોડાવાનો અનોખો રાહ ચીંધે છે.

પૂર્વ પ્રાચાર્ય તખ્તસિંહ પરમારની મતદાનમાં પણ અણનમ સેન્ચ્યુરી

ભાવનગરની શામળદાસ આટ્‌ર્સ કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ અને સરદારસિંહ રાણા તેમજ પૃથ્વીસિંહ આઝાદ તરીકે આઝાદીની લડતમાં યાત્રાઓ કરીને જેલમાં જઇ આવેલા સ્વાતંત્ર્‌ય સેનાની એવા તખ્તસિંહ વ્હેરાભાઇ પરમારની પુત્ર-પૌત્રીઓ, પૌત્રો અને પ્રપૌત્રો સહિતની ચારપેઢી સુધીની લીીલ વાડી જોઇ ચૂકેલા તખ્તસિંહદાદા છેલા એક વર્ષથી પથારીવશ છે. આમ છતાં, મતદાન કરવા માટેનો તેમનો ઉત્સાહ આજે પણ યુવાનોને શરમાવે તેવો છે. લોકશાહી પ્રત્યેની આ શ્રદ્ધામાં ખભેખભો મિલાવીને તેમની સાથે ઉભાં રહે છે ૯૨ વર્ષના પત્ની રામકુંવરબા.

પિતાજીની લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા અંગે વાત કરતાં જયેષ્ઠ પુત્ર જગદીશભાઇ જણાવે છે કે, પિતાજીનો મતદાન કરવાનો થનગનાટ એવો કે અમારા વિદ્યાનગર વિસ્તારમાં મતદાન મથક પર સૌથી પહેલા મતદાર બાપુજી અને બા જ હોય. એટલું જ નહીં અમને સૌ પરિવારજનોને પણ સાથે લઇ જઇ વહેલી સવારે જ મતદાન કરાવે. મતદાન કર્યા બાદ આસપાસના નાગરિકોને પણ મતદાનનું મહત્વ સમજાવી, વહેલામાં વહેલી તકે મતાધિકારનો ઉપયોગ કરવા માટે સમજાવે છે.

યુવાનો માટે પ્રેરણારૂપ ૧૦૨ નોટઆઉટ મતદાર લવજીભાઇ

શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં બચુભાઇની વાડી પાસે રહેતા મૂળ રાજપરાના લવજીભાઇ હિરાભાઇ કાકડીયા વર્ષોથી પરિવાર સાથે ભાવનગર સ્થાયી થયા છે. મોટાભાગનો પરિવાર સુરત રહે છે. ૧૦૨ વર્ષના લવજીભાઇ મતદાન કરવામાં પણ ૧૦૨ નોટઆઉટ છે. બીજી તરફ, તેમનાં જ નજીકના સગાં ૮૫ વર્ષીય શાંતુબેન બચુભાઇ કીકાણી પણ કેડ ધડે છે. પુત્રવધૂ સાથે મળીને સાડીનું જરદોશી કામ કરે છે. જરા ઓછું સાંભળે છે પણ મતદાન કરવા માટે મક્કમ છે. આજે પણ મતદાનના દિવસે સવારે બીજું કોઇ કામ શરૂ કરતાં પહેલું કામ મતદાન કરવાનું કરે છે. ભારતીય ચૂંટણી પંચની યાદી અનુસાર, ભાવનગર જિલ્લામાં કુલ ૪૪૪ શતાયું મતદારો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાતહેવારમાં જોડાઇને આ તમામ વડીલો નવયુવાન મતદારો માટે પ્રેરણારૂપ બની રહ્યાં છે.

Previous articleબાબરા નજીકથી અબોલ પશુની ચોરી કરી કતલખાને ધકેલવાનું કૌભાંડ ઝડપાયું
Next articleબળાત્કારનાં ગુન્હાનો ફરાર આરોપી સીદસરથી ઝડપાયો