તેઓ ચાવાળા છે તો અમે દુધવાળા છીએઃ અખિલેશ

452

લોકસભા ચૂંટણી ૨૦૧૯માં સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે આજે આઝમગઢ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવી. આ દરમિયાન તેમની સાથે બસપા નેતા સતીષચંદ્ર મિશ્રા પણ જોવા મળ્યાં. ત્યારબાદ અખિલેશ યાદવે આઝમગઢમાં એક ચૂંટણી રેલીને સંબોધીને કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યાં. અખિલેશ યાદવે કહ્યું કે જેટલા પણ કામ અમારી સરકારે યુપીમાં કર્યા હતાં તે તમામ કામ યોગી સરકારે બગાડી નાખ્યાં.

અખિલેશ યાદવે કહ્યું કે વર્ષ ૨૦૧૪માં તમે લોકોએ ચાવાળા પર વિશ્વાસ કર્યો હતો. પરંતુ ચા સારી ન બની, કારણ કે દૂધ સારું ન હોય તો ચા સારી બનતી નથી. તેઓ ચા વાળા છે તો અમે પણ દૂધવાળા છીએ. અમારા વગર કશું થઈ શકે નહીં. અખિલેશ યાદવે કહ્યું કે હું નોમિનેશન ફાઈલ કરતા પહેલા આદરણીય માયાવતીજી અને નેતાજીના આશીર્વાદ લઈને આવ્યો છું.

અખિલેશ યાદવના પહોંચતા પહેલા જ હજારો સપા કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા અને તેમનામાં ભારે જોશ જોવા મળ્યો હતો. ઉમેદવારી નોંધાવ્યા બાદ અખિલેશ યાદવે કહ્યું કે પહેલા અને બીજા તબક્કાના મતદાનમાં ગઠબંધનના પક્ષમાં મતોનો વરસાદ થઈ રહ્યો છે. સાતમા તબક્કાના મતદાન સુધીમાં તો કેટલા મતોનો વરસાદ થશે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપે ફક્ત પાંચ નહીં પરંતુ સાત વર્ષોનો હિસાબ આપવો પડશે.

Previous articleસેંસેક્સમાં ૧૩૫ પોઇન્ટનો ફરીવાર ઘટાડો નોંધાયો
Next articleઉત્તપ્રદેશના રાજકારણમાં મને કોઇ રસ નથીઃ વરૂણ ગાંધી