ભાવનગર-વલ્લભીપુર હાઈવે પર ઘાંઘળી ગામ નજીક રેતી ભરેલા ડમ્પરે વલ્લભીપુરના બાઈક ચાલક યુવાનને અડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજવા પામ્યું હતું. અકસ્માતમાં યુવાનના બે ભાગ થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, વલ્લભીપુર ખાતે રહેતા બીજલભાઈ હામાભાઈ ભરવાડ ઉ.વ.૩પ વલ્લભીપુરથી પોતાનું બાઈક નં.જીજે૪બીએમ ૪૬૮૦નું લઈ કોઈ કામ સબબ ભાવનગર આવી રહ્યા હતા ત્યારે સિહોરના ઘાંઘળી ગામ નજીક પહોંચતા સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ રેતી ભરેલા ડમ્પર નં.જીજે૪એક્સ ૭પ૮પના ચાલકે બાઈક સવાર બિજલભાઈને અડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતા સિહોર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પીએમ અર્થે ખસેડી ડમ્પરના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.