ગુજરાતમાં સળંગ બે નબળા ચોમાસા બાદ હવે રાજ્યના મોટાભાગના જળાશયો સૂકાવા આવ્યા છે. એટલું જ નહીં, હવે તો નર્મદાનું પાણી પણ પૂરતું થઈ રહ્યું નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને બેરોકટોક જળ વિતરણ કરીને ખેડૂતોને ઠેંગો દેખાડાઈ રહ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. કચ્છની વાત કરીએ તો ત્યાં અત્યારે પીવાના પાણીના પણ સાંસા છે. અહીં ઉદ્યોગો દ્વારા ભૂગર્ભજળને પણ બેફામપણે ખેંચવામાં આવી રહ્યું છે અને આ કારણે ગામડાના અંતરિયાળ વિસ્તારોમાંથી હજારો લોકો હિજરત કરી રહ્યા છે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામડાઓને પણ વર્ષો પહેલાં નર્મદાના પાણી આપવાના વચનો દર ચૂંટણી વખતે અપાય છે, જેનું હજી સુધી પાલન થયું નથી. હવે એકતરફ રાજ્યના ગામડાઓ, ખાસકરીને કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચતું નથી ત્યારે બીજી તરફ ૨૦૧૪-૧૮ દરમિયાન રાજ્ય સરકારે મુંદ્રા અને કચ્છના ઉદ્યોગોને રોજનું ૨૫ મિલિયન લિટર પાણી નર્મદા બંધમાંથી આપ્યું છે જે આંક અમદાવાદ-ગાંધીનગરના ઉદ્યોગો માટે ૭૫ મિલિયન લિટરનો છે. હવે આટલા જથ્થા વડે તો રોજના ૨૩ હજાર હેક્ટર ખેતીની જમીનની સિંચાઈ થઈ જાય. કચ્છને આજદિન સુધી રાજ્ય સરકારે સિંચાઈ માટે તો નર્મદા બંધમાંથી કોઈ પાણી આપ્યું જ નથી અને નર્મદા પ્રોજેક્ટના કમાન્ડ એરિયાની શરતોને જોતાં કચ્છના લખપત તાલુકાને કદી નર્મદાનું પાણી મળશે પણ નહીં, એમ કચ્છના આરટીઆઈ એક્ટિવિસ્ટ સાગર રબારીએ જણાવ્યું હતું.
કચ્છમાં ખેતી અને પશુપાલન એ જ ગામડાની મુખ્ય આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ છે. અહીં ૭૨ ટકા જમીનો સીમાંત ખેડૂતો પાસે છે. પરંતુ ઉદ્યોગોએ ત્રણ દાયકા સુધી બેફામપણે જમીનમાં બોર નાંખીને પાણી ખેંચતા હવે ખેડૂતો માટે કોઈ ભૂગર્ભજળ બચ્યું જ નથી. કચ્છ પાસે પાણીનો બીજો કોઈ સ્ત્રોત પણ નથી. લખપતના સામાજિક કાર્યકર પ્રાગજી પટેલે કહ્યું હતું. હવે કચ્છના ખેડૂતો પ્રશ્ન કરે છે કે શા માટે શહેરો અને ફેક્ટરીઓને પાઈપલાઈનથી પાણી અપાય છે અને તેમને નથી મળતું. કચ્છ-સૌરાષ્ટ્રના ઉદ્યોગો રોજનું ૮૪૫ એમએલડી પાણી ખેંચે છે જ્યારે તેમને ફાળવણી ૬૭૬ એમએલડીની જ કરાઈ છે. અહીંના ઉદ્યોગોને સરદાર સરોવર ડેમની પાઈપનું પાણી મળે છે અને ખેતરો સૂકાભઠ્ઠ રહે છે
નર્મદા બંધ પ્રોજેક્ટનો ૧૯૪૬માં પાયો નંખાયો ત્યારે સરકારે ૩૦૦૦ નાના બંધ અને કેનાલનું નિર્માણ કરીને સિંચાઈ માટે ચોવીસે કલાક પાણી અને જળવિદ્યુતની પરિકલ્પના કરી હતી. આ માટે નર્મદા બંધને બે તબક્કામાં- પહેલા ૧૬૦ ફીટ અને પછી ૩૨૦ ફીટ સુધી ઊંચો બનાવાયો જેથી કચ્છ અને સૌરાષ્ટ્રના સીમાડાના ગામડા સુધી પાણી પહોંચે. નર્મદા બંધનું ૩૨.૧૪ ટકા એટલે કે ૩૦ હજાર મિલિયન લિટર પાણી દરરોજે ગુજરાતને મળે તેવું નક્કી થયું હતું. આમ છતાં આજ દિન સુધી નર્મદા બંધ પ્રોજેક્ટનું ફક્ત ૩૬ ટકા કામ જ થઈ શક્યું છે અને ગુજરાત ના મોટાભાગના લક્ષ્યાંકિત વિસ્તારોમાં કેનાલનું કામ જ બાકી છે જેમાં અમદાવાદ અને ખેડાનો પણ સમાવેશ થાય છે.