માતાના અંતિમ સંસ્કાર કરી શિક્ષક એક કલાકમાં જ ચૂંટણી કામગીરીમાં જોડાયા

799

લોકસભા ચૂંટણીને ગણીને ૫ દિવસ બાકી છે. ત્યારે ચૂંટણી કામગીરીમાં રાજ્યના કર્મચારીઓ ને જોતરવામાં આવ્યા છે. હિંમતનગરના શિક્ષક પોપટભાઈ પટેલના માતાનું તાજેતરમાં અવસાન થયું હતું. માતાની વિદાયના વાવડ બાદ તંત્રને જાણ કરી તરત પોતાના વતન પ્રાંતિજના અંબાવાડામાં અંતિમ સંસ્કાર કરીને એક જ કલાકમાં ફરી ચૂંટણી કામગીરીમાં લાગી ગયા હતા અને પોતાની ફરજનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું.

સાબરકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં પેઈડ ન્યૂઝનું મોનિટરિંગ કરતા પોપટભાઈ પટેલ પોશીના તાલુકાના મતરવાડા-૨ પ્રાથમિક શાળામાં શિક્ષક છે. માતાના અવસાનના ઘેરા શોક વચ્ચે પોતાના ગામ પહોંચ્યા હતા. પરિવારજનોની હાજરીમાં માતાના અગ્નિસંસ્કાર કરતાં માતા સ્વ. શાંતાબેનનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. પોપટભાઈને ચૂંટણી પ્રત્યેની ફરજ યાદ આવતા પરિવારજનોને મળ્યા ના મળ્યા અને તરત જ પોતાની મીડિયા મોનિટરિંગની ફરજ પર હાજર થઈ ગયા હતા. તેમને પરત આવેલા જોઈને સાથી કર્મચારી એવા શિક્ષકો પણ મુંઝવણમાં પડી ગયા હતા.

‘મા, તો કોને વ્હાલી ના હોય…? મેં પણ માતાની આંગળી પકડીને જીવનની અનેક ડગલીઓ માંડી છે. તડકી-છાંયડી જોઈ છે. માતાના અવસાન પછી મારા પરિવારજનોને પણ મારી જરૂર હતી. મારા ભાઈઓ- ઈચ્છતા હતા કે હું તેમની સાથે રહું. થોડો સમય વિતાવું તો દુઃખ વહેંચાય પણ મેં વિચાર્યું હતું કે મેં મારી માતાને અગ્નિ સંસ્કારનો મારો અધિકાર ભોગવ્યો, પણ હવે સમય હતો મારી ફરજ અદા કરવાનો અને એટલે જ હું તરત જ મારી ફરજ પર હાજર થઈ ગયો.’એક તરફ કેટલાક લોકો પોતાની નાની નાની શારીરિક બીમારીઓને આગળ કરી ચૂંટણી ફરજમાંથી મુક્તિ લેવા જુદાજુદા હથકંડા અપનાવતા હોય છે. ક્યાંક બીમારી, કયાંક સામાજિક કામોની આળ લઈને પણ ચૂંટણી ફરજમાંથી છૂટવા ફાંફા મારતા હોય છે ત્યારે પોપટભાઈ પટેલ માતાના મૃત્યુ પછી તરતજ ફરજ પર હાજર થયા હતા.

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શાંતિપુર્ણ વાતાવરણમાં મહત્તમ મતદાન સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણા ડી.કે. ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લા ચૂંટણી તંત્ર ખડે પગે કાર્યરત છે. જિલ્લામાં પેઈડ ન્યુઝ અને અન્ય સમાચારોના મોનિટરિંગ માટે સાબરકાંઠા માહિતી કચેરીમાં મીડિયા સેન્ટર કાર્યરત કરાયું છે. તેમાં ૨૧ જેટલા શિક્ષકોને રાઉન્ડ ધ ક્લોક ફરજ અદા કરે છે. ત્રણ શિફ્‌ટમાં ૭-૭ શિક્ષકો ફરજ બજાવે છે અને સમાચારો પર દેખરેખ રાખે છે.

Previous articleચાઈનીઝ ઈથિલિનની પડીકીઓથી કેરી પકવતા વેપારીઓ
Next articleઅમીત શાહને હરાવવા શંકરસિંહ મેદાને : સાણંદમાં રેલી અને સભા