ભાવનગર લોકસભાની ચૂંટણીને આડે હવે ચારેક દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાવનગરનાં કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો દ્વારા પ્રચાર પ્રસારનો જોરદાર વેગ આપવામાં આવ્યો છે. અને પ્રદેશનાં નેતાઓ પણ મનહરભાઇ પટેલનાં સમર્થનમાં પ્રચાર કરવા આવી રહ્યા છે. જેના કારણે આગેવાનો અને કાર્યકરોનો જુસ્સો વધ્યો હોય તેવું આજની કોંગ્રેસની સનેસ, પાલીતાણા ખાતેની સભામાં જોવા મળ્યું હતું. બંને સ્થળોએ કોંગ્રેસની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મનહરભાઇને સમર્થન આપ્યું હતું.
મનહરભાઇ પટેલની આજની સનેસ અને પાલીતાણા ખાતે મળેલી સભામાં યુવા પ્રચારક ગોપાલ ઇટાલીયા ખીલ્યા હતા. અને ભાજપને આડે હાથ લીધા હતા અને ભાજપના છેલ્લા પાંચ વર્ષમાં શાસનમાં મોંઘવારી, નોટબંધીનાં કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ભારે મુશ્કેલીઓ પડી હોવાનું જણાવી ભાજપ સામે આંકરા પ્રહારો કર્યા હતા.
સભામાં સંબોધન કરતા આગેવાનો એ ખેડૂતોને પણ આપઘાત કરવા મજબુર બનવું પડે છે તેમ જણાવી સરકારની ખેડૂત વિરોધી નીતિની આંકરી ટીકા કરી હતી. ભાવનગર જિલ્લામાં આજે પ્રવિણભાઇ રાઠોડ, પ્રવિણભાઇ મારૂ સહિત આગેવાનો અને સંગઠનનાં પદાધિકારીઓએ ઉમેદવાર મનહર પટેલ સાથે ઠેર ઠેર સભા, રોડ-શો, જનસંપર્ક કર્યા હતા. જ્યાં નગરજનો, વેપારીઓ તરફથી બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. ભાવનગર શહેરમાં સાંજે મોતીબાગ ચોકથી ખારગેઇટ સુધીની કોંગી કાર્યકરો દ્વારા મનહરભાઇ પટેલનાં સમર્થનમાં બાઇકરેલી યોજવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાત્રીના સમયે મનહર પટેલે શહેરના વિવિધ વિસ્તારોમાં ગૃપ મીટીંગ પણ કરવામાં આવી હતી.