થોડી વધુ માછલી મળે તે માટે જખૌ ના દરિયામાંથી પાકિસ્તાનની જળ સીમામાં ઘુસી જતા અને પાકિસ્તાનની જેલમાં સબડતા માછીમારોની સજા પૂર્ણ થતા ૧૦૦ માછીમારોને પાકિસ્તાન સરકારે છોડતા વાઘા બોર્ડરથી ભારત ફીશરીઝ તથા તંત્રને સોંપવામાં આવતા અમૃતસરથી રેલવે મારફત અને બાદમાં બરોડાથી બસ મારફત વેરાવળ આ માછીમારોને લાવવામાં આવ્યા હતા. આ માછીમારોમાં ગીર સોમનાથ જીલ્લાના ગીર સોમનાથના ૮૪, નવસારીના ૬,ભાવનગરના ૧,દિવના ૫, વેસ્ટ બંગાલના ૪ માછીમારોના સમાવેશ થાય છે. આ માછીમારો આવવાના છે તેની જાણ થતા તેમના પરીવારજનો સવારથી ફીશરીઝ કચેરી વેરાવળ ખાતે આવી પહોંચ્યા હતા. અને કાગડોળે પોતાના સ્વજન જે પાકિસ્તાન જેલમાં સબડતા હતા તેની રાહજોતા હતા. કીડીવાવ ખાતે તમામ તપાસ ચેકીંગ કરી વેરાવળ ફીશરીઝ કચેરી ખાતે ૧૨.૩૦ કલાકે આવી પહોંચતા જ પરીવારજનોને લાગણીભીના દૃશ્યો સર્જાયા હતા. સ્થાનિક આગેવાનો,માછીમારના પરીવાર જનો પોતાના સ્વજનો ને જોઇ ભેટી પડયા હતા તેમને ફૂલહાર કરી મોઢા મીઠા કરાવી માદરે વતન જવા રવાના થયા હતા. ઉના તાલુકાના પાલડી ગામના દેવશી હમીર વાજા પોરનંદરના મુસ્તાક રહીમ સુમરાની અલ જુનેદ બગદાદી બોટમાં ફીશીંગમા ગયેલ ત્યારે પાકિસ્તાન મરીન એજન્સીએ તેમને પકડી પાડયા હતા. બે વર્ષથી જેલમાં સબડતા હતા તેમને રોજ પાંચ રોટલી, દાળ ભાત શાક અને બે ટાઇમ ચા આપતા , અઠવાડીયામાં એકવાર નોનવેજ આપતા હતા તેમ જણાવ્યુ હતું . કોડીનાર તાલુકાના કોટડા ગામના અરવિંદ વિરા ચાવડા પોરબંદરના ઉમેશ રામચંદ્રભાઇની શીવસાગર બોટમાં ફીશીંગમાં ગયા હતા ત્યારે પાકિસ્તાને પકડી પાડેલા તેમના જણાવ્યા મુજબ દોઢ વર્ષ પહેલા અમને પકડી ગયા હતા. રોજે રોજ પાંચ રોટલી દાળ ભાત શાક આપતા હતા સામાન્ય મજુરીકામ કરાવતા હતા. મોટાભાગના માછીમારોને હવે શુ કરશો તે અંગે મુંઝવણ હતી કેટલાક બીજો ધંધો કરીશુ . તો કેટલાક માછીમારી સિવાય શુ કરવું પણ હવે પાકિસ્તાન ની જળ સીમામાં નહિ જઇએ તેમ જણાવ્યુ હતું. હજુ પણ વધારે ૧૦૦ માછીમારો ટુંક સમયમાં પાકિસ્તાનસરકાર છોડશે તેમ જાણવા મળ્યુ હતું. દરમિયાન પાલડીના માછીમાર ભીખા ભગવાન બામણીયા જે જેલમાં મૃત્યુ પામ્યો છે તેનો મૃતદેહ આવતીકાલે પાલડી આવી પહોંચશે તેમ ફીશરીઝ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યુ છે.