લોકસભા ચૂંટણી કાર્યક્રમને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ખુબ વ્યસ્ત કાર્યક્રમ ધરાવે છે. જો કે પ્રિયંકા ગાંધી વાઢેરા પણ રાહુલથી ઓછા વ્યસ્ત નથી. પૂર્વીય ઉત્તરપ્રદેશના પ્રભારી બન્યા બાદ પ્રિયંકા વધારે સક્રિય થઇ ગયા છે. તેમના જુદા જુદા કાર્યક્રમ દરરોજ થઇ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધી બાદ પ્રિયંકા વાઢેરા સૌથી વધારે સક્રિય દેખાઇ રહ્યા છે. સાથે સાથે સૌથી વધારે પ્રચાર પણ કરી રહ્યા છે. સક્રિય રાજકારણમાં ઉતર્યાને વધારે સમય થયો નથી ત્યારે કોંગ્રેસના દરેક ઉમેદવારની ઇચ્છા છે કે તેમના મતવિસ્તારમાં પ્રિયંકા વાઢેરા દ્વારા કાર્યક્રમ કરવામાં આવે. પ્રિયંકા ચૂંટણી પ્રચાર અથવા તો રોડ શો કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વાઢેરા છેલ્લા કેટલાક સમયથી તોફાની પ્રચારમાં છે. ૨૭મી એપ્રિલ સુધી પ્રચાર કરનાર છે. તેમના રોડશોની માંગ થઇ રહી છે. રાહુલના બદલે પ્રિયંકા વાઢેરા પહોંચે તેવી માંગ કોંગ્રેસના ઉમેદવારો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ. ગઇકાલે ગુરૂવારના દિવસે બીજા તબક્કામાં મતદાન થયું હતું. હવે ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થઇ રહ્યુ છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. આ વખતે તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાં આવી છે.તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે. જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, આ પ્રથમ એવી ચૂંટણી છે જ્યારે ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. લોકસભાની ચૂંટણીને લઇને મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કરોડો મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે.પ્રિયંકા અને રાહુલ દ્વારા પણ હાલમાં પૂરી તાકાત લગાવી દેવામાં આવી છે.