મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન સંદર્ભે આજથી એક અઠવાડિયા સુધી રેલવે સ્ટેશન વિસ્તારનો સર્વે શરૃ કરાયો છે. વડોદરા મ્યુનિ.કોર્પોરેશન, રેલવે અને નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસી) દ્વારા સ્થળ સ્થિતિ ચકાસીને વડોદરામાંથી એલિવેટેડ ટ્રેક પસાર કરવાનું નક્કી કર્યું છે. એટલે કે બુલેટ ટ્રેન વડોદરામાં એલિવેટેડ ટ્રેક પરથી દોડશે આ ટ્રેકની જમીનથી ઊંચાઇ ૧૮ મીટર રહેશે એટલે કે આશરે ૧૦ માળ જેટલી. એલિવેટેડ ટ્રેકને લીધે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની માથાકૂટમાંથી છૂટકારો મળશે. વળી, જમીન પર બુલેટ ટ્રેનના ટ્રેકની બંને બાજુ સેફ્ટી સર્વે જે ફેન્સિંગ કરવાની હોય છે તેની પાછળ બહુ મોટો ખર્ચ થાય છે. આ બંને પાસાનો વિચાર કરતાં એલિવેટેડ ટ્રેક પર જ ટ્રેન દોડાવવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે. એલિવેટેડ ટ્રેકને લીધે જે હજારો મકાનો તૂટવાના હતા, તેનો ભય પણ દૂર થયો છે.
તાજેતરમાં વડોદરા કોર્પોરેશન રેલવે વિભાગ અને નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનની બેઠકમાં ત્રણેય વિભાગ વચ્ચે સંકલન રાખી રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારનું રી-ડેવલપમેન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વડોદરા રેલવે સ્ટેશનના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારનો કેટલો ભાગ તૂટશે તેમજ વડોદરા કોર્પોરેશન દ્વારા જનમહેલ જેવો પ્રોજેકટ કે પછી અન્ય કોઇ કામગીરી રેલવે સ્ટેશનની આસપાસ કરવાની હોય તો રેલવે વિભાગ અને હાઇસ્પીડ કોર્પોરેશન સાથે સંકલન રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરની રેલવે લાઇનના પૂર્વ અને પશ્ચીમ વિસ્તારની માહિતી માટે અને આસપાસના વિસ્તારના રી-ડેવલપમેન્ટ માટે આજે સવારથી કોર્પોરેશન, રેલ્વે અને હાઇસ્પીડ રેલવે કોર્પોરેશનના અધિકારીઓની સંયુકત ટીમે શરૃ કર્યો હતો જે એક અઠવાડિયા ચાલશે. સુરત સર્વે કર્યા બાદ ટીમ વડોદરા આવી છે. હાઇસ્પીડ રેલ કોર્પોરેશન સંયુક્ત અહેવાલ તૈયાર કરી મેનેજીંગ ડીરેકટરને સુપ્રત કરશે, ત્યારબાદ કંપનીના એમડી વડોદરાની મુલાકાત લેશે. અધિકારીઓએ સ્થળ સ્થિતિની મુલાકાત લઇ બુલેટ ટ્રેનનો ટ્રેક વડોદરા શહેરમાંથી એલીવેટેડ ટ્રેક પસાર કરવાનું નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશને નકકી કર્યું છે તે પ્રમાણે વડોદરા રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારનું રીડેવલપમેન્ટ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.