દિવસના તાપમાનમાં ૨ ડિગ્રી અને રાત્રીના તાપમાનમાં ૩.૫ ડિગ્રી જેવા ૨૪ કલાકમાં વધારા સાથે નવેસરથી ગરમીનો દોર શરૂ થવાના એંધાણ મળી ગયાં છે. ગુરુવારે દિવસનું તાપમાન ૩૬.૪ ડિગ્રી અને રાત્રીનું તાપમાન ૨૪.૫ ડિગ્રી નોંધાયાનું હવામાન તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. વાતાવરમમાં ભેજનું પ્રમાણઘટવા લાગતા ગરમીમાં વધારો થવાનો છે. ગુરુવારે સવારે ભેજનું પ્રમાણ ૬૨ ટકા નોંધાયા પછી સાંજે ઘટીને ૨૯ ટકા થઇ ગયું હતુ. જે આગાળના દિવસોમાં ૭૦ ટકાથી વધી ગયુ હતુ. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો ગગડી જતાં ગરમીમાં આંશિક રાહત મળી છે. ગુરૂવારે અમદાવાદમાં ગરમીનો પારો ૩૬.૬ ડિગ્રી નોંધાયો હતો. જો કે, હવામાન ખાતાની આગાહી મુજબ, આવતીકાલથી ગરમીનો પારો ઊંચકાશે અને ફરીથી રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળશે. અમદાવાદમાં ગરમીનો પારો ગગડી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ચૈત્રમાં અષાઢી માહોલ સર્જાયા બાદ ગરમીથી છૂટકારો મળ્યો હતો. રાજ્યમાં ગુરૂવારે ભૂજ ૩૮.૧ ડીગ્રી સાથે હોટેસ્ટ રહ્યું હતું. ગરમી ઘટતાં લોકોને હાલ પૂરતી રાહત થઈ છે પરંતુ, આગામી દિવસોમાં ફરીથી ગરમીનો પારો ૪૨ ડીગ્રીએ પહોંચી શકે છે.
હવામાન જ્યોતિષી અંબાલાલ દા. પટેલના જણાવ્યા અનુસાર, તા.૨૧-૨૨ સુધી પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ પૂર્વીયના ભાગોમાં હવાનું દબાણ સર્જાવાના યોગ છે. મહત્તમ ઉષ્ણતામાન ૪૩ ડીગ્રીએ પહોંચી શકે છે. આ સમયમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કમોસમી વરસાદની શક્યતાના યોગ છે.