કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધૂએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ફરીવાર ચર્ચા જગાવી છે. કેરળના કોઝીકોડેમાં સિદ્ધૂએ કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વચનો વાંસ જેવા જ ખોખલા છે જ્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના વચનો શેરડી જેટલા મીઠા છે. સિદ્ધૂએ નોટબંધી, બેરોજગારી, બેંકોના એમપીએ જેવા મુદ્દાને લઇને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. નવજોત સિદ્ધૂ કોંગ્રેસ માટે વાયનાડ, કોઝીકોડે અને વાડકારા બેઠકો ઉપર પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. સિદ્ધૂએ કહ્યું હતું કે, મોદી માત્ર ઉદ્યોગપતિઓ માટેના વડાપ્રધાન છે. મોદીએ સાબિત કર્યું છે કે તેમના માટે દેશના ૯૯ ટકા ખેડૂત, મજુરો અને ગરીબ લોકો માટે કોઇ અસ્તિત્વ નથી.
મોદી આડેધડ વચનો આપતા રહે છે. સિદ્ધૂએ એમ પણ કહ્યું છે કે, મોદીને લાગે છે કે, વચનો અને ઇંડાઓ માત્ર તોડવા માટે જ હોય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ૫૦ લાખ ખેડૂતોને રાહુલ ગાંધીની દેવા માફીના વચનથી ફાયદો થયો છે. કોંગ્રેસની સરકાર બન્યા બાદ તરત જ વચનો પૂર્ણ કરવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષ ભારતના ઇતિહાસના સૌથી ખરાબ વર્ષો રહ્યા છે. સિદ્ધૂએ કહ્યું હતું કે, મોદી છેલ્લા બે વર્ષથી માત્ર હવામાં ઉડી રહ્યા છે. મોદી પેટાશૂટ છે પરંતુ રાહુલ ગાંધી જમીનના નેતા છે. મોદી પોતાને ચોકીદાર કહે છે પરંતુ ગરીબોના દરવાજા પર ક્યારેય ચોકીદાર હોતા નથી.