કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા તમામ મોદી ચોર છે તેવા નિવેદનને લઇને વિપક્ષ પર આકરા પ્રહાર થઇ રહ્યા છે. મોદી પેટાનામવાળા વ્યક્તિ ઉપર પણ પ્રહાર થઇ રહ્યા છે. બીજી બાજુ રાહુલ ગાંધીને પણ હવે જુદી જુદી કોર્ટો તરફથી નોટિસો મળી ચુકી છે. હવે ફરાર આરોપી લલિત મોદીએ પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. મોદીના પેટા નામને લઇને કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન ઉપર રાહુલ ગાંધીને બ્રિટનની કોર્ટમાં ખેંચી જવાની ધમકી આપવામાં આવી છે. લલિત મોદીએ આજે ટિ્વટ કરીને કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સામે યુકેની કોર્ટમાં જશે. લલિત મોદીએ કોંગ્રેસ પરિવાર પર પાંચ દશકો સુધી ભારતને લૂંટવાનો આક્ષેપ કર્યો છે.
એક ટિ્વટ કરીને કહ્યું છે કે, કોણ ચોકીદાર અને કોણ ચોર છે તે અંગે લોકો નિર્ણય કરનાર છે. મહારાષ્ટ્રમાં આયોજિત એક રેલીમાં રાહુલે કહ્યું હતું કે તમામ ચોરોના નામમાં મોદી કેમ છે. નિરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી જેવા નામનો ઉલ્લેખ રાહુલે કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે, હજુ કેટલા અન્ય મોદી સપાટી ઉપર આવશે તેને લઇને કહી શકાય નહીં. ઇન્ડિયન પ્રિમિયર લીગના લલિત મોદી પૂર્વ અધ્યક્ષ છે. મની લોન્ડરિંગમાં તેમનું નામ સપાટી ઉપર આવ્યા બાદ લલિત મોદીએ ભારત છોડી દીધું હતું. ત્યારબાદ લલિત મોદીને ફરાર અપરાધી જાહેર કરવામાં આવ્યા હતા. મોદીએ પણ રાહુલને લઇને વળતા પ્રહાર કર્યા છે. મોદી કહી ચુક્યા છે કે, તેઓ પછાત જાતિના છે જેથી કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા તેમના પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. નામદારે પહેલા ચોકીદાર ચોર હેનો નારો આપ્યો હતો અને આમા નિષ્ફળતા મળ્યા બાદ હવે સમગ્ર સમુદાયને અપમાનિત કરવામાં આવી રહ્યા છે. પછાત સમુદાયના હોવાના લીધે કોંગ્રેસે વર્ષો સુધી તેમને અપમાનિત કર્યા છે.