મોદી પાટણ ખાતે ૨૧મીએ જાહેરસભા યોજવા સુસજ્જ

1147

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર માટે કમરકસી ચુક્યા છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીએકવાર ૨૧મીએ ગુજરાત પહોંચી રહ્યા છે જ્યાં જંગી જાહેરસભા યોજવામાં આવશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ૨૩મી એપ્રિલના દિવસે મતદાન કરવામાં આવનાર છે તે પહેલા માહોલ સર્જવાને લઇને મોદીએ આક્રમક રણનીતિ તૈયાર કરી લીધી છે. હાલમાં જ મોદીએ એક પછી એક જાહેરસભાઓ કરી છે. સુરેન્દ્રનગર, આણંદ, હિંમતનગર અને અમરેલીમાં મોદીએ છેલ્લે ચૂંટણી સભા કરી હતી. હવે પાટણમાં તેમની જાહેર સભા થનાર છે. આ સંદર્ભમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખ ૨૧ એપ્રિલે પાટણ ખાતે જંગી જાહેર સભાઓને સંબોધશે. વર્તમાન લોકસભા ચૂંટણી અન્વયે પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ભારત શ્રેષ્ઠ ભારતના જીવનમંત્ર સાથે ૧૩૦ કરોડની જનતા વચ્ચે જઇ રહ્યા છે ત્યારે ભારતભરમાં જનતાજનાર્દન દ્વારા તેમને અથાગ પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએ સરકારે પોતાના શાસન દરમ્યાન હાથ ધરાયેલા જનકલ્યાણકારી અને લોકહિતના કાર્યોના પરિણામ સ્વરૂપે સમગ્ર ભારતભરમાં ઐતિહાસિક અને પ્રચંડ જનાદેશ મળશે તે નિશ્ચિત છે.  ગુજરાતના પનોતાપુત્ર અને વિશ્વનેતા નરેન્દ્ર મોદીને ફરી એકવાર દેશનું સુકાન સોંપવા માટે સમગ્ર દેશ અને ગુજરાતની જનતામાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Previous articleઆજની પરિસ્થિતિમાં મોદી જેવા સક્ષમ-સાહસી લીડરની જરૂર : શાહ
Next articleહાર્દિકના આંદોલનના કારણે હું, પત્ની ખુબ જ હેરાન થયા